અમરેલી

સ્માર્ટ સીટીના દાવાઓ વચ્ચે સાવરકુંડલાનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા બિસ્માર: રસ્તાના અભાવે નાના ઉદ્યોગોને ભારે પરેશાની

થયેલા ભારે વરસાદ અને તંત્ર દ્વારા કરવામાં આવેલા અધૂરા ગટર લાઇનના ખોદકામે વેપારીઓ તથા શ્રમિકોની કમર તોડી નાખી છે.

​સાવરકુંડલાના આ ઔદ્યોગિક વિસ્તારમાં હાલ અંદાજે ૬૦ થી ૭૦ જેટલા નાના-મોટા ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે, જ્યારે અન્ય ૬૦ થી ૭૦ જેટલા નવા યુનિટો બનવાની તૈયારીમાં છે. પરંતુ પરિસ્થિતિ એ છે કે અહીં રસ્તા પર રસ્તો જ નથી રહ્યો અને મસમોટા ખાડાઓએ સામ્રાજ્ય જમાવ્યું છે. રસ્તાની આવી કફોડી હાલતને કારણે મોટા માલવાહક વાહનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા સુધી પહોંચી શકતા જ નથી.

​રહેણાંક વિસ્તારમાં વિરોધ અને આર્થિક બોજ

​વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પટેલવાડી વાળો રસ્તો ઉપલબ્ધ છે ખરો, પરંતુ તે રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિક રહીશો મોટા વાહનોની અવરજવરનો સખત વિરોધ કરી રહ્યા છે. પરિણામે, વેપારીઓએ પોતાના મોટા વાહનો બાયપાસ પર જ ઉભા રાખવા પડે છે. ત્યાંથી નાના વાહનો મારફતે માલસામાનની હેરફેર (લોડિંગ-અનલોડિંગ) કરવી પડે છે, જેના કારણે:

*​વેપારીઓના સમય અને નાણાં બંનેનો મોટો વ્યય થઈ રહ્યો છે.​ઉત્પાદન ખર્ચ વધતા ઉદ્યોગો આર્થિક મંદી તરફ ધકેલાઈ રહ્યા છે.–કેતનભાઈ ડોડીયા* 

​ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આ રસ્તો સ્થાનિક રહીશો અને વેપારીઓએ પોતાના સ્વ-ખર્ચે બનાવ્યો હતો. પરંતુ હવે આ રસ્તો બિસ્માર બનતા સ્થાનિક નગરપાલિકા કે વહીવટી તંત્રનો એકપણ વિભાગ આ રસ્તાની જવાબદારી લેવા તૈયાર નથી. નાના ઉદ્યોગકારો પોતાની જાતે પોતાના રૂપિયાના ખર્ચે રસ્તો બનાવી શકે તેમ નથી, છતાં તંત્ર એકબીજા પર દોષારોપણ કરી આંખ આડા કાન કરી રહ્યું છે.

​વહેલી તકે મરામત નહીં થાય તો ઉદ્યોગો ઠપ્પ થવાની ભીતિ

​સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર સામે ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે કે આ રસ્તાનું તાત્કાલિક ધોરણે મરામત કામ શરૂ કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો આ વિસ્તારના ઉદ્યોગો સંપૂર્ણપણે ઠપ્પ થઈ શકે છે અને પરિણામે અનેક શ્રમિકોની રોજીરોટી છીનવાઈ શકે છે 

​હવે જોવાનું એ રહે છે કે, કાંટા ઉદ્યોગના નામે મોટી-મોટી વાતો કરતું તંત્ર આ નાના વેપારીઓની વાસ્તવિક વેદના સાંભળીને રસ્તો બનાવશે કે પછી વિકાસના પોકળ દાવાઓ વચ્ચે મૌન સેવી રાખશે?

Related Posts