ભાવનગર

ભાવનગર ખાતે ઉર્જા રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ષ ૨૦૨૬-૨૭ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

આજરોજ ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉર્જા રાજ્યમંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી
કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ષ ૨૦૨૬-૨૭ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લામાં સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે કુલ રૂ. ૧૩.૫૮ કરોડના ૩૪૦ વિકાસકાર્યોને મંજૂરી
આપવામાં આવી હતી.
જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫ ટકા વિવેકાધીન યોજના હેઠળ રૂ. ૧૦.૫૫ કરોડના ૩૦૫
વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં રૂ. ૩.૦૨ કરોડના ૩૫ વિકાસકાર્યોને
મંજૂરી આપવામાં આવી હતી.
પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ બેઠકમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની
કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વર્ગ સુધી અસરકારક રીતે પહોંચે તે માટે સુદ્રઢ અને વ્યવસ્થિત
આયોજન કરવું અનિવાર્ય છે. તેમણે ધારાસભ્યશ્રીઓને પ્રગતિ હેઠળના વિકાસકાર્યોની સમયાંતરે સ્થળ મુલાકાત
લઈને સમીક્ષા કરવા તેમજ જરૂરી હોય ત્યાં અધિકારીઓ સાથે સંકલન સાધી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે
સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
બેઠક દરમિયાન જિલ્લામાં માર્ગ-મકાન સહિતના વિવિધ વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી
હતી. ઉપરાંત ૧૫ ટકા વિવેકાધીન યોજના, ૫ ટકા પ્રોત્સાહક યોજના, ખાસ પછાત વિસ્તાર યોજના, વિકાસશીલ

તાલુકા યોજના, ધારાસભ્યશ્રી ફંડ તથા એટીવીટી યોજના (વર્ષ ૨૦૨૩-૨૪) હેઠળના કાર્યોની વિસ્તૃત સમીક્ષા પણ
કરવામાં આવી હતી.
વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લાને ફાળવવામાં આવેલી
મૂળ જોગવાઈ રૂ. ૪૬૬૫.૦૦ લાખમાં રૂ. ૨૫૫૦.૦૦ લાખનો વધારો કરીને કુલ જોગવાઈ રૂ. ૭૨૧૫.૦૦ લાખ
કરવામાં આવી છે, જે આશરે ૫૪.૬૬ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ વધારાથી જિલ્લામાં વિકાસકાર્યોને વધુ
ગતિ મળશે તેમજ નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ બદલ ધારાસભ્યશ્રીઓએ રાજ્ય સરકાર પ્રત્યે
આભાર વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી શીવાભાઈ ગોહિલ, શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા શ્રીમતી
સેજલબેન પંડ્યાએ રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ
અધિક્ષક શ્રી નીતીશ પાંડેય, નિવાસી અધિક કલેકટર શ્રી એન.ડી. ગોવાણી, જિલ્લા આયોજન અધિકારી શ્રી એન.જી.
કેવડીયા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts