અમરેલી

સાવરકુંડલાના વ્યાસ પરિવાર દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા, સ્વજનના અવસાન બાદ ચક્ષુદાન અને રક્તદાન શિબિરનું પ્રેરણાદાયી કાર્ય

સાવરકુંડલાના ભાનુશંકરભાઇ ટી.વ્યાસ (મહેશ ટોકીઝ વાળા) ના પરિવારમાં જ્યારે પણ કોઇ સ્વજન નું અવસાન થાય છે ત્યારે સ્વર્ગસ્થ નું ચક્ષુદાન અને ત્યારબાદ શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. થોડા દિવસો પહેલા યશપાલ ભાઈ વ્યાસ (પત્રકાર) ના માતુશ્રી સરોજબેન પ્રમોદભાઈ વ્યાસ નું અવસાન થતા વ્યાસ પરિવાર દ્વારા સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરીને અંધજનોના જીવનમાં રોશની લાવવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વ. ની ઉત્તરક્રિયા ના દિવસે લોકોને કટોકટીના સમયમાં અતિ ઉપયોગી થાય તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારના સભ્યો ઉપરાંત સ્નેહીજનો દ્વારા રક્તદાન કરી સદગત ને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ચક્ષુદાન અને રક્તદાન કેમ્પ દ્વારા વ્યાસ પરિવાર દ્વારા પૂર્વેથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કરેલ છે.
આ કાર્ય દ્વારા વ્યાસ પરિવારે સમાજમાં માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સ્વજનના નિધન બાદ શોક ના સમયે પણ આપણે કેવી રીતે માનવતા અને પરોપકાર ના કાર્ય દ્વારા સદગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ. આ રક્તદાન શિબિર માં અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને આ ભગીરથ કાર્યમાં સહયોગ આપ્યો હતો. વ્યાસ પરિવાર નો આ પ્રેરણાદાયી પ્રયાસ સમાજમાં નેત્રદાન અને રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવામાં ચોક્કસ મદદરૂપ થશે અને અન્ય પરિવારોને પણ આવા ઉમદા કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે વ્યાસ પરિવારના સભ્ય મેહુલભાઇ વ્યાસ કે જેઓ પોતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે અને સાથે સાથે ચક્ષુદાન સ્વીકારવાની ઉમદા પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં તેઓએ ૬૨૧ ચક્ષુદાન સ્વીકારેલ છે અને રાજ્યપાલના હસ્તે આશરે ૧૫ જેટલા એવોર્ડ પણ મેળવેલ છે.

Related Posts