ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના જતન સાથે સાવરકુંડલા શહેરમાં મહાશિવરાત્રીની અનોખી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહુવા રોડ સ્થિત સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે પ.પૂ. ભોલાનંદ સરસ્વતીજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
ચાર પ્રહરની શાસ્ત્રોક્ત પૂજા અને આધ્યાત્મિક ઊર્જા
આ પવિત્ર અવસરે પ.પૂ. ભોલાનંદ સરસ્વતીજીના સ્વમુખે શિવ મહિમાનું ગાન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ રાત્રિના ચાર પ્રહર દરમિયાન ઉપવાસ સાથે શોડષોપચાર વિધિ દ્વારા પાર્થિવ શિવલિંગનું પૂજન કર્યું હતું. સંપૂર્ણ વેદોક્ત અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી થયેલા આ પૂજનથી સમગ્ર વાતાવરણમાં એક અનોખી આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થયો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર અમરેલી જિલ્લામાં આ પ્રકારનું ભવ્ય અને વ્યવસ્થિત આયોજન માત્ર અહીં જ જોવા મળે છે.
આ વર્ષે બાળકો, યુવાનો અને વડીલોની સાથે નારી શક્તિનો પણ બહોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો. પટેલ વાડી ખાતે મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં પ.પૂ. ભોલાનંદ સરસ્વતીજીના પૂજનનું લાઈવ ટેલીકાસ્ટ જોઈને હજારો મહિલાઓએ પાર્થિવ શિવલિંગનું પૂજન-અર્ચન કર્યું હતું.
આશ્રમ દ્વારા પૂજામાં બેસનાર તમામ શિવભક્તો માટે પૂજાની તમામ સામગ્રી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, તમામ ભક્તો માટે ફરાળ અને પ્રસાદની સુંદર વ્યવસ્થા પણ આશ્રમ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ સંદર્ભે ભરતભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, “આ આશ્રમ છેલ્લા પચાસ વર્ષથી સત્સંગ અને શિવભક્તિ દ્વારા જનકલ્યાણના કાર્યોમાં સતત કાર્યરત છે.”
વર્તમાન સમયમાં જ્યારે વિશ્વ યુદ્ધના ભય અને અશાંતિના વાતાવરણમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલું આ ધર્મકાર્ય સમયની માંગ અને અનિવાર્યતા બની રહ્યું છે. શિવભક્તોએ પોતાના આત્માના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણ માટે પણ પ્રાર્થના કરી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના ટ્રસ્ટીગણ તથા સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.


















Recent Comments