અમરેલી

અમરેલી સ્થિત ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતેથી વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ ‘સરસ મેળો-૨૦૨૫’નો દબદબાભેર પ્રાંરભ કરાવ્યો

પ્રગતિ ગુજરાતની એ વિચારને કેન્દ્રમાં રાખી ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિત ‘સરસ મેળો-૨૦૨૫’ અમરેલી સ્થિત ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતેથી વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાએ દબદબાભેર પ્રાંરભ કરાવ્યો હતો. મહિલા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.

‘સરસ મેળો-૨૦૨૫’માં વિવિધ મહિલા સ્વ સહાય જૂથોની બહેનો દ્વારા હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જાહેર જનતા આ મેળાની મુલાકાત કરીને ગમતી ચીજ-વસ્તુઓની ખરીદી પણ કરી શકે છે. તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા. ૨૮ સપ્ટેમ્બર,૨૦૨૫ સુધી આ મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

આ મેળામાં સ્વસહાય જૂથની બહેનો આર્થિક રીતે પગભર થાય તે હેતુથી એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત વિનામુલ્યે સ્ટોલ તથા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજ વસ્તુઓ માટે માર્કેટ પૂરું પાડી તેમને પ્રોત્સાહન મળે તે માટે ૫૦ જેટલા હેન્ડીક્રાફટ, ઈમીટેશન જ્વેલરી, હર્બલ હેલ્થ એન્ડ હાઇજીન પ્રોડક્ટ, ઓર્ગેનિક અને પ્રાકૃતિક ચીજ વસ્તુઓ, હેન્ડલુમ, નવરાત્રી દિવાળી પર્વ અનુરુપ પ્રોડક્ટ વગેરેના સ્ટોલ સાથે ૫ ફૂડ સ્ટોલ સહિત કુલ ૫૫ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડયા સહિતના મહાનુભાવોએ વિવિધ હસ્તકલાના સ્ટોલની મુલાકાત લીધી હતી.

‘સરસ મેળો-૨૦૨૫’ના પ્રારંભ પ્રસંગે અમરેલીના સ્થાનિક પદાધિકારીશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી નિયામકશ્રી કે.જે.જાડેજા, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી.ના જનરલ મેનેજરશ્રી સ્વેતાબેન અગથ, જિલ્લા લાઇવલીહુડ મેનેજરશ્રી છાયાબેન ટાંક સહિતના પદાધિકારીશ્રી-અધકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts