જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાં એક વધુ દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં કુદરતી આફત અને સરકારી બેદરકારી વચ્ચે એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. ભાણવડ તાલુકાના ખેડૂત કરસનભાઈ બામરોટિયાએ માવઠા અને કમોસમી વરસાદના મારથી પાક બગડતા આર્થિક તંગી અને નિરાશામાં આત્મહત્યા કરી હોવાની માહિતી મળી છે.
કરસનભાઈએ પોતાના ખેતરમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. પાક સારું મળે એવી આશાએ તેમણે બેંકમાંથી લોન લઈને મોંઘું બિયારણ અને ખાતર ખરીદ્યું હતું. પરંતુ સતત કમોસમી વરસાદ અને માવઠાના કારણે પાક જમીન પરથી જ ઊગી શક્યો નહીં. પાક બગડતા કરસનભાઈ પર દેવાનો ભાર વધી ગયો હતો.
પરિવારજનોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી કરસનભાઈ ભારે તણાવમાં હતા. પાકની હાલત અને લોનની ચુકવણી અંગે ચિંતા વ્યક્ત કરતા હતા. સરકારની સહાય યોજના કાગળ પર જ રહી ગઈ હોવાનું જણાતા તેઓ વધુ હતાશ બન્યા હતા. ગામલોકોના જણાવ્યા મુજબ, “સરકાર હજી તારીખ ઉપર તારીખ આપી રહી છે – આજે કરશે, કાલે કરશે – પરંતુ ખેડૂતો માટે રાહ જોવી હવે અસહ્ય બની ગઈ છે.”
ગઈકાલે સવારના સમયે કરસનભાઈ પોતાના ખેતરમાં જ ગયા હતા, જ્યાં તેમણે જીવલેણ પગલું ભર્યું હતું. પરિવારજનો અને પડોશીઓએ તેમને તરત જ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ સારવાર પહેલા જ તેમનું અવસાન થયું હતું.
પોલીસે આ ઘટનાની નોંધ કરી તપાસ હાથ ધરી છે. કરસનભાઈનો આ આત્મઘાતી પગલું સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલની વ્યથા અને અસ્થિર કૃષિ પરિસ્થિતિનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું છે.




















Recent Comments