fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણીના અધ્યક્ષસ્થાને શેત્રુંજી ડેમ- પાલીતાણા ખાતે ભુલકા મેળો યોજાયો

ભાવનગર જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજીડેમ- પાલીતાણા ખાતે ભુલકા મેળો- 2024 યોજાયો હતો.

આ પ્રસંગે આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રી રમેશભાઈ ઝાખણીયાએ જણાવ્યું કે, નાના બાળકોમાં રહેલી પ્રતિભાને ખિલાવવા માટે ભુલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજનું બાળક એ આવતીકાલનો દેશનો નાગરિક છે તેમ‌ જણાવી તેમણે વિવિધ પ્રવૃત્તિઓમાં બાળક સહભાગી બને તેવું સુંદર વાતાવરણ ઉભું કરવા તેમણે વાલીઓને અનુરોધ કર્યો‌ હતો.

તેમણે જણાવ્યું કે, આઈ.સી.ડી.એસ. વિભાગ બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. આ પ્રકારના મેળાથી બાળકોનો શારીરિક, માનસિક વિકાસ ઉપરાંત આત્મવિશ્વાસ પણ વધતો હોય છે. બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડી બહેનો, કાર્યકરોનું ખુબ મહત્વનું યોગદાન હોય છે. આપણા બાળકો કુપોષણ માંથી બહાર આવે તે માટે ઘરમાં બનાવેલલા ખોરાકની સાથે આંગણવાડી કેન્દ્રો ખાતેથી આપવામાં આવતો પ્રોટીનયુક્ત પુરક પોષણ આહાર જ અવશ્ય આપવા તેમણે વાલીઓને અપીલ કરી હતી.

વડોદરા સેન્ટ્રલ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસરશ્રી ડૉ. પુલકેશી જાનીએ આંગણવાડીના બાળકોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આધારિત પ્રવૃત્તિઓના માધ્યમથી આંગણવાડી શિક્ષણ અંગે વાલીઓને જાગૃત કરવામાં આવ્યાં હતાં.આ અવસરે બાળકોએ વિવિધ વેશભૂષામાં પ્રાર્થના, તક ધીના ધીન ઢોલકી વાગે, એક મારી ઢીંગલી એવી સજાવું, સ્વચ્છતા નાટક, નન્હા મુન્હા રાહી હું, દિલ હૈ છોટા સા જેવા અનેકવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કર્યા હતા. પી.એસ.સી.ની બહેનોને મારા આંગણાનો જાદુ, અમે‌ બસમાં ગયાં ટન ટન  જેવી સ્તુતિ રજૂ કરી સૌને‌ મંત્રમુગ્ધ ‌કર્યા હતાં.

આંગણવાડી કાર્યકર દ્વારા બનાવાયેલ TLM નું પ્રદર્શન અને બાળકો દ્વારા બનાવેલ વિવિધ કૃતિઓનું મહાનુભાવોએ પ્રદર્શન નિહાળી નિરીક્ષણ કર્યું હતું. તેમજ વિજેતા કૃતિઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઈનામ વિતરણ કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્યાનમાં રાખીને ભુલકા મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

આ વેળાએ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી રૂખડભાઈ ચૌહાણ, શ્રી શિવાભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્યશ્રી વિપુલભાઈ રાઠોડ, ઉ.બુ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી લાલજીભાઈ સોલંકી, શ્રી મૂળજીભાઈ મિયાણી, સી.ડી. પી.ઓ. શ્રી અલ્પાબેન મકવાણા સહિત જિલ્લા- તાલુકાનો‌ આઈ.સી.ડી.એસ વિભાગનો‌ સ્ટાફ તેમજ નાના નાના ભુલકાઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts