અમરેલી

સંસ્કાર અને સ્નેહનો સુમેળ સમાન સાવરકુંડલાના અગ્રણી પત્રકાર બિપીનભાઈ પાંધીના લગ્નજીવનના ૩૯ વર્ષ પૂર્ણ, ૪૦માં વર્ષમાં મંગલ પ્રવેશ

​હે પ્રભુ, જીવનમાં થોડી એવી ક્ષણ રહેવા દે,

સાથ જે આપ્યો છે તેવો જ અકબંધ રહેવા દે.

​જે સંબંધોએ અડ્યા છે આ બુલંદીના શિખર,

 આંગણે ખુશીઓના સદા પગરવ રહેવા દે.

​ સુંદર ક્ષણોથી મહેંકે છે અમારું આશિયાનું,

બાગમાં ઉમંગોને આમ   ગૂલો-ગુલઝાર રહેવા દે.

ભલે હોય ઠોકર ​સમયની ગમે તેટલી કપરી, 

સ્નેહના દીપકને આમ જ તેજોમય રહેવા દે.

–“પાંધીસર”

આજના ‘શોર્ટ-ટર્મ’ સંબંધો અને ડિજિટલ યુગની વ્યસ્તતા વચ્ચે, ભારતીય સંસ્કૃતિની અસ્મિતા સમાન લગ્ન વ્યવસ્થાને સાવરકુંડલાના જાણીતા પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી અને તેમના જીવનસાથી શ્રીમતી ચંદ્રીકાબેને સાર્થક કરી બતાવી છે. આ દંપતીએ તેમના લગ્નજીવનના ૩૯ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી આજે ૪૦માં વર્ષમાં ઉમંગભેર મંગલ પદાર્પણ કર્યું છે.

મૂળ ચલાલાના વતની અને હાલ સાવરકુંડલાને પોતાની કર્મભૂમિ બનાવનાર રઘુવંશી સમાજનું ગૌરવ એવા બિપીનભાઈ હરગોવિંદભાઈ પાંધી અને ચંદ્રીકાબેન તા. ૮-૨-૧૯૮૭ના રોજ ચલાલા મુકામે લગ્નગ્રંથિથી જોડાયા હતા. ચાર દાયકાની આ સફરને યાદ કરતા બિપીનભાઈ જણાવે છે કે, “જીવનની અનેક ચડતી-પડતીઓ અને સંઘર્ષના સમયમાં મારા જીવનસાથીએ અડીખમ રહીને જે હિંમત પૂરી પાડી છે, તે મારા માટે ‘પ્રાણવાયુ’ સમાન સાબિત થઈ છે.”

​શિક્ષકથી પત્રકારત્વ સુધીની યશસ્વી સફર ખેડી છે. 

બિપીનભાઈએ પોતાના જીવનકાળમાં અનેક સંઘર્ષો વેઠીને પ્રગતિના શિખરો સર કર્યા છે. કારકિર્દીના પ્રારંભે સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલામાં આદર્શ શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ, તેમણે પત્રકારત્વ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. આજે તેઓ “આપણું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝ” દ્વારા નિર્ભયતાથી લોકપ્રશ્નોને વાચા આપી રહ્યા છે. આ ખાસ પ્રસંગે પાંધી દંપતીએ માત્ર અંગત ખુશીઓ જ નહીં, પણ સમગ્ર માનવજાતના કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી હતી. લગ્ન એ માત્ર એક કરાર નથી, પણ પરસ્પર વિશ્વાસનો અતૂટ તાંતણો છે તેવો સંદેશ તેમણે નવી પેઢીને આપ્યો છે.

આ અવસરે હિંમતભાઈ મહેતા અને શ્રીમતી દક્ષાબેન મહેતા સહિત મિત્રવર્તુળ, પરિવારજનો અને સાવરકુંડલાના નાગરિકો તરફથી પાંધી પરિવાર પર અભિનંદન વર્ષા થઈ રહી છે. પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય દાન મહારાજના ચરણોમાં આ દંપતીનું આગામી જીવન સુખમય, સમૃદ્ધ અને આરોગ્યપ્રદ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.

​તેમને અને ચંદ્રીકાબેનને લગ્ન વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમના મિત્રો તથા શુભેચ્છકો દ્વારા તેમના મોબાઈલ નંબર ૯૪૨૯૦૭૭૨૮૩ પર  પાઠવવામાં આવી રહી છે

Related Posts