· ભાજપ સરકાર વિકાસના નામે આદિવાસી સમાજની જમીન ઝૂંટવે છે : રાહુલ ગાંધી
· BJP અને RSS ઇચ્છે છે કે, આદિવાસી સમાજ “વનવાસી બને”, હક ન માંગે : રાહુલ ગાંધી
· મોદીજીનો કંટ્રોલ ટ્રમ્પના હાથમાં, સમગ્ર દેશના ડેટા, કૃષિ ક્ષેત્ર અમેરિકાને આપી દીધું : રાહુલ ગાંધી
· વિકાસના નામે આદિવાસી સમાજના ઘરો પર બુલડોઝર ફેરવી નાખ્યા, દિવસેને દિવસે આદિવાસી સમાજના હક્કો છીનવાઈ રહ્યા છે : રાહુલ ગાંધી
· હું ગુજરાતના આદિવાસી સમાજ અને સામાન્ય લોકોનો અવાજ બુલંદ કરવા હંમેશા ખડે પગે ઉભો છું : રાહુલ ગાંધી
· ભાજપના શાસનના ત્રણ દાયકામાં સૌથી વધુ અન્યાય આદિવાસી સમાજને થયો : અમિત ચાવડા
· ભાજપ સરકારમાં 20 વર્ષ પછી પણ આદિવાસી સમાજને જળ, જંગલ અને જમીનના 50 ટકા અધિકાર નથી મળ્યા : અમિત ચાવડા
· બીજી, ત્રીજી પાર્ટીઓ આવીને આદિવાસી સમાજના મતોનું વિભાજન કરવાનો પ્રયત્ન કરશે : તુષાર ચૌધરી
લોકસભા વિપક્ષના નેતા અને દેશની જનતાનો નીડર અવાજ જનનાયક રાહુલ ગાંધીજી સંસ્કારી નગરી વડોદરાના પ્રવાસે આવ્યા હતા. વડોદરા એરપોર્ટ પર તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.
એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા રાહુલ ગાંધીજીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના આજવા ચોકડી નજીક આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઑડિટોરિયમમાં રાહુલ ગાંધીજીની ઉપસ્થિતિમાં “આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન” યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન તેમનું સ્વાગત પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે નૃત્ય કલાકારો સાથે મુલાકાત પણ કરી હતી.
રાહુલ ગાંધીજીએ સંમેલનમાં આદિવાસી સમાજ સાથે સંવાદ કરતા પોતાના સંબોધનની શરૂઆત “આદિવાસી” શબ્દથી કરી. તેમણે જણાવ્યું કે આ શબ્દનો અર્થ ખૂબ જ ઊંડો છે, આદિવાસી એટલે આ દેશના મૂળ નિવાસીઓ અને મૂળ માલિકો છે, હજારો વર્ષ પહેલાં દેશની મોટાભાગની જમીન આદિવાસીઓની માલિકીની હતી, જે ઐતિહાસિક સત્ય છે.તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજનો ઈતિહાસ તેમના જળ, જંગલ અને જમીન ગુમાવવાનો ઈતિહાસ રહ્યો છે. સમય જતાં તેમની પાસેથી સંસાધનો છીનવાયા છે અને આજના સમયમાં “વનવાસી” જેવા શબ્દો દ્વારા તેમની ઓળખને બદલી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. “આદિવાસી” શબ્દ હક્ક અને માલિકી દર્શાવે છે, જ્યારે “વનવાસી” શબ્દ આ હકીકતને નકારી કાઢે છે.
રાહુલ ગાંધીજીએ ભારપૂર્વક જણાવ્યું કે આદિવાસી સમાજ પર દેશનું ઋણ છે, કારણ કે તેમના જમીન, જંગલ અને પાણી તેમની પાસેથી છીનવાયા છે. તેમણે આ બાબતને મહાન આદિવાસી નેતા બિરસા મુંડાના વિચારો સાથે જોડતા જણાવ્યું કે આ પ્રકારના પ્રયાસો તેમના વિચાર પર પણ આક્રમણ સમાન છે.તેમણે આક્ષેપ કર્યો કે વિકાસના નામે વારંવારઆદિવાસીઓની જમીન કબજે કરવામાં આવે છે, પછી તે સ્મારકો માટે હોય કે ખનિજ પ્રોજેક્ટ્સ માટે હોય અને ઘણીવાર યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી.
રાહુલ ગાંધીજીએ જાતિ ગણતરી (કાસ્ટ સેન્સસ)ની આવશ્યકતા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે દેશની વાસ્તવિક સામાજિક રચનાને સમજવા માટે તે જરૂરી છે. તેમણે જણાવ્યું કે દેશમાં આશરે 9-10% આદિવાસી, 15% દલિત, 50% અન્ય પછાત વર્ગ અને 15% અલ્પસંખ્યકોનો સમાવેશ થાય છે.તેમણે ખાનગીકરણની નીતિ પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે તેનો લાભ મર્યાદિત લોકો સુધી જ સીમિત છે. સરકારી ક્ષેત્રમાં આરક્ષણ દ્વારા આદિવાસી, દલિત અને પછાત વર્ગોને તક મળતી હતી, જ્યારે ખાનગી ક્ષેત્રમાં તેમનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે.
રાહુલ ગાંધીજીએ કોર્પોરેટ ક્ષેત્રમાં અસમાનતા તરફ ધ્યાન દોર્યું અને જણાવ્યું કે દેશની ટોચની કંપનીઓમાં પછાત વર્ગ, આદિવાસી અને અલ્પસંખ્યકોનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે ગેરહાજર છે. તેમણે જણાવ્યું કે મોટા ઉદ્યોગપતિઓના કર્જા સહેલાઈથી માફ થાય છે, જ્યારે સામાન્ય નાગરિકોને આવી રાહત મળતી નથી.તેમણે જી.એસ.ટી. મુદ્દે પણ પ્રશ્ન ઉઠાવ્યો અને જણાવ્યું કે સામાન્ય લોકો અને મોટા ઉદ્યોગપતિઓ પર સમાન દરે ટેક્સ લાગુ પડે છે, છતાં આવકમાં વિશાળ અસમાનતા છે. રાહુલ ગાંધીજીએ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને આર્થિક નીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે આક્ષેપ કર્યો કે દેશના મહત્વપૂર્ણ નિર્ણયો વિદેશી પ્રભાવ હેઠળ લેવાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે 21મી સદીમાં “ડેટા” સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ છે અને તેનો નિયંત્રણ દેશના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. તેમણે કૃષિ ક્ષેત્ર, આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક નીતિઓ અંગે સરકારની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે દેશના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવવા જોઈએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસનમાં આદિવાસી સમાજને ભારે અન્યાય સહન કરવો પડી રહ્યો છે. 20 વર્ષ પછી પણ અનેક પરિવારોને જંગલ અધિકાર કાયદા હેઠળ તેમના હકો મળ્યા નથી.વિકાસના નામે તેમની જમીનો કબજે કરવામાં આવી રહી છે. જન આક્રોશ યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારમાં જોવા મળ્યું કે, આદિવાસી સમાજના જંગલો છીનવાઈ રહ્યા છે અને ઘણા વિસ્તારોમાં લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થાય છે, જ્યારે “નલ સે જલ” જેવી યોજનાઓમાં પણ ગેરરીતિઓ જોવા મળી રહી છે. શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓની હાલત પણ ચિંતાજનક છે. આદિવાસી સમાજના અધિકારોનું સતત હનન થઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું અગામી સમયમાં અંબાજીથી ઉમરગામ સુધી ફરીથી યાત્રાઓ યોજાશે, ઘર-ઘર જઈને લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવશે અને દરેક આદિવાસી ભાઈ-બહેનનો અવાજ બુંલદ કરવામાં આવશે.
આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસના અધ્યક્ષ ડો. વિક્રાંત ભુરિયા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી સાથે કોંગ્રેસ પક્ષના વિરીષ્ઠ નેતા હાજર રહ્યા હતા.












Recent Comments