ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહીક સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  • સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી.
  • સંબંધિત જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો.
  • વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વરસાદની આફતમાં સંપૂર્ણ મદદની ખાતરી આપી.
  • સુરત-વલસાડ-નવસારીમાં એન.ડી.આર.એફ.- એસ.ડી.આર.એફ.ની વધુ ટીમો ડિપ્લોય કરવા દિશાનિર્દેશો.
  • પાણીમાં ફસાયેલા અને નિચાણવાળા વિસ્તારોના લોકોના સ્થળાંતર તથા રેસક્યુને પ્રાયોરિટી આપવા સૂચના.
  • નાયબ મુખ્યમંત્રીશ્રી – આદિજાતિ વિકાસ મંત્રીશ્રી અને વરિષ્ઠ સચિવો અસરગ્રસ્ત જિલ્લામાં વહીવટી તંત્રનું માર્ગદર્શન કરવા મોકલ્યા.
  • હવામાન વિભાગો જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે તે જિલ્લાઓના પ્રભારી સચિવોને તત્કાલ જે-તે જિલ્લામાં પહોંચવાના આદેશો.
  • ઓવર ટોપીંગ – એપ્રોચ ધોવાણ અને ડાયવર્ઝન ધોવાણથી બંધ થયેલા માર્ગો વરસાદના પાણી ઓસરે કે તુરંત જ યુદ્ધના ધોરણે પૂર્વવત કરવા સૂચના.

* આરોગ્ય સુરક્ષાકર્મીઓ સાફ-સફાઈ અને સલામત સ્થળે ખસેડાયેલા લોકો માટે પાણી-ફૂડ પેકેટ વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરથી કરી હતી.

તેમણે આ જિલ્લાના કલેકટરો સાથે બેઠકમાંથી જ ટેલીફોન પર વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ રેસ્ક્યુ, સ્થળાંતર સહિતની કામગીરી અને નદીઓમાં પૂરની સ્થિતિની વિગતો મેળવી હતી.

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિથી ઊભી થયેલી સ્થિતિ અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રીશ્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેમણે બચાવ-રાહત, સ્થળાંતર અને સલામતીના પગલાંઓમાં કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી મુખ્યમંત્રીશ્રીને આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ ભારે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્રને કામગીરીમાં માર્ગદર્શન આપવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને બે સચિવશ્રીઓ શ્રી રેમ્યા મોહન અને શ્રી આલોક પાંડેને સુરત, વલસાડ, નવસારી મોકલ્યા છે.

એટલું જ નહીં, હવામાન વિભાગ દ્વારા જે જિલ્લાઓમાં આગામી સમય માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જિલ્લાઓના પ્રભારી સચિવને પણ સંબંધિત જિલ્લાઓમાં તત્કાલ પહોંચવા મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં સ્થાનિક તંત્રને બચાવ-રાહત, સ્થળાંતર કામગીરીમાં મદદરૂપ થવા એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ.ની વધુ ટીમો ડિપ્લોય કરવા પણ આ સમીક્ષા બેઠકમાં આદેશો આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં નદીઓના પૂરના પાણીને કારણે ફસાયેલા લોકો તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકોના રેસ્ક્યુ અને સ્થળાંતરની કામગીરીને અગ્રતા આપવાની સૂચનાઓ આપી હતી.

તેમણે વરસાદને કારણે વીજળી પુરવઠો તથા પીવાના પાણીના વિતરણની સ્થિતિની સમીક્ષા કરી હતી અને તે રાબેતા મુજબ સતત જળવાઈ રહે તે માટેના સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દક્ષિણ ગુજરાતના ભારે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં એસ.ટી. વ્યવહાર તથા માર્ગોની સ્થિતિની સમીક્ષા કરી હતી.

માર્ગ-મકાન વિભાગે પાણીથી ઓવરટોપીંગ, એપ્રોચના ધોવાણ તથા ડાયવર્ઝન ધોવાણના કારણે જે માર્ગો બંધ થયા છે તેને પાણી ઓસરતા જ યુદ્ધના ધોરણે પૂર્વરત કરવા 3400 ઉપરાંત ડમ્પર અને 1100થી વધુ જે.સી.બી. અને જરૂરી મટીરીયલ્સ તૈનાત રાખ્યા છે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી.

વરસાદની સ્થિતિમાં પાણી ઓસર્યા પછી રોગચાળો ન ફેલાય તે માટે પૂરતી સાફ-સફાઈ અને રોગ નિયંત્રણના પગલાંઓ જરૂરી દવાઓના જથ્થા વગેરે અંગે તેમણે આરોગ્ય વિભાગને સજ્જ રહેવા સૂચનાઓ આપી હતી.

રાહત કમિશનર શ્રી ગૌરવ મકવાણાએ રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિમાં તંત્રની સજ્જતા અંગે વિગતો આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના દક્ષિણ ભાગમાં અને ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લાઓમાં ગઈકાલથી રેડ એલર્ટ હતું અને ગઈકાલ રાતથી ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે.

તેમણે ઉમેર્યું કે, વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે રહ્યું છે અને એમાં પણ ઉમરગામ તાલુકામાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ થયો છે. છેલ્લા 28 કલાકમાં ઉમરગામ તાલુકામાં 43 ઇંચ જેટલો વરસાદ થયો છે અને વલસાડ જિલ્લાના વિવિધ ભાગોમાં કપરાડા, વાપી વિસ્તારોમાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ છે.

શ્રી મકવાણાએ અગમચેતીના ભાગરૂપે સરકારે લીધેલા પગલાંઓની વિગતો આપતા કહ્યું હતું કે, વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને અગમચેતીના પગલારૂપે ગઈકાલથી જ NDRF અને SDRFની ટીમ ત્યાં ડિપ્લોય કરી દેવામાં આવી હતી. સુરત, નવસારી અને વલસાડમાં મોટા પ્રમાણમાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે.

આ ઉપરાંત, રાત્રે જેમ જેમ વરસાદની તીવ્રતા વધતી ગઈ તેમ તેમ ટીમોનું મોબિલાઈઝેશન થતું રહ્યું. વહીવટી તંત્ર, પોલીસ અને સ્થાનિક આપદા મિત્રોના સંકલનથી રેસ્ક્યુની કામગીરી ગઈકાલ રાતથી જ આરંભી દેવામાં આવી હતી અને અંદાજે 1200 જેટલા લોકોને રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે, સુરત સિટીમાં અત્યાર સુધીમાં 1500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારીમાં કાવેરી નદીના કારણે 11 ગામોમાં ફસાયેલા 200 જેટલા લોકોને પણ રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. હાલમાં આ જિલ્લાઓમાં કોઈ ક્રિટિકલી ફસાયેલું હોય તેવા સંજોગો નથી.

તેમણે સરકારી તંત્રને ખડેપગે રહેવા અંગે મુખ્યમંત્રીશ્રીએ જે દિશાનિર્દેશો આપ્યા છે તેની વિગતો આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સ્તરેથી પ્રભારી સચિવોને તાત્કાલિક જિલ્લાઓમાં પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવવા આદેશ અપાયા છે. જે અધિકારીઓએ ભૂતકાળમાં આ વિસ્તારોમાં કામ કર્યું છે તેમને પણ રાહત કામગીરી માટે તાત્કાલિક મૂવ થવા જણાવાયું છે.

વલસાડ જિલ્લામાં અગાઉ ફરજ બજાવેલ હોય તેવા 10 જેટલા અધિક કલેકટર અને નાયબ કલેકટર મામલતદાર કક્ષાના અધિકારીઓ સેવામાં મુકાયા છે.

માર્ગ અને પરિવહનની પરિસ્થિતિનો ચિતાર આપતા રાહત કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતિએ ઓવરટોપિંગના કારણે પંચાયતના 300થી વધારે રસ્તાઓ ટેમ્પરરી બંધ છે અને STની 200થી વધારે ટ્રિપ્સ બંધ છે. અમુક સ્થળે પાવર ફેલ્યર છે તે ટૂંક સમયમાં રિસ્ટોર થશે. જરૂર પડે તો એરફોર્સ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જોકે હાલ વેધર કન્ડિશનના કારણે ટેકઓફ શક્ય નથી, પરંતુ હમાન અનુકૂળ થતા ફસાયેલાં લોકોને એરલિફ્ટ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી (UHM) સાથે પણ વાત કરી છે અને તેમણે તમામ મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ SEOCમાંથી વલસાડ, નવસારી અને સુરત એમ ત્રણેય કલેક્ટરોને માર્ગદર્શન આપ્યું છે અને પાણી ઓસર્યા પછી હેલ્થ, સફાઈ અને પાણી પુરવઠાની કામગીરી માટે સૂચનાઓ આપી છે તેની વિગતો પણ તેમણે આપી હતી.

હાલમાં કોઈ માનવ મૃત્યુ નોંધાયેલું નથી, માત્ર તાપીમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનો અહેવાલ છે એમ પણ રાહત કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

શ્રી ગૌરાંગ મકવાણાએ રાજ્યના દક્ષિણ ભાગમાં ડિપ્લોય કરાયેલી ટીમોની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું કે, સુરતમાં 3 NDRF અને 5 SDRF ટીમો કાર્યરત છે. વલસાડમાં 2 NDRF અને 4 SDRF ટીમો કાર્યરત છે. વધારાની એક NDRF અને એક SDRF ટીમ મોકલવામાં આવી રહી છે તેમજ નવસારીમાં 2 SDRF ટીમો છે અને 1 NDRF ટીમ સુરતથી ત્યાં પહોંચશે.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રને બચાવ રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં મદદરૂપ થવા માટે 3 NDRF તથા 5 SDRFની ટીમ કાર્યરત છે. નવી દિલ્હીથી NDRFની 2 ટીમ આજે પહોંચશે. એટલું જ નહિ, આર્મીના 70 જવાનોની ટીમ અને 5 બોટ તથા 25 વ્યક્તિઓની ફાયરની ટીમ મોકલવામાં આવી રહી છે તે પણ વલસાડ પહોંચીને ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રની મદદમાં રહેશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય છે તેમજ રાજ્યમાં કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા તમામ વિસ્તારોમાં પણ ટીમો સ્ટેન્ડબાય રાખી હોવાની વિગતો તેમણે આપી હતી

વીજળીની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે, હાલમાં બે સબસ્ટેશનમાં ઇશ્યુ છે, જે પાણી ઓસરતા જ રેક્ટીફાય કરવામાં આવશે.

આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાત પાંડે, કમિશનર શ્રી ડો. ધવલ પટેલ તથા વિવિધ વિભાગોના સચિવો-ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts