સંતાનો ઢોર નથી, પુખ્ત વયની તમારી પુત્રીના લગ્નનો સ્વીકાર કરો : સુપ્રીમ કોર્ટ
તમારા સંતાનો ઢોર નથી તેણે પુખ્ત વયે મરજીથી કરેલા લગ્ન સ્વીકારો, યુવક સામે ફરિયાદ કરનારા પિતાને સુપ્રીમની સલાહ પુખ્ત વયની પુત્રીને મરજી મુજબ લગ્ન કરતા રોકવા મામલે સુપ્રીમ કોર્ટે માતા પિતાને ટકોર કરતા કહ્યું હતું કે સંતાનો ઢોર નથી, પુખ્ત વયની તમારી પુત્રીના લગ્નનો સ્વીકાર કરો. માતા પિતાએ પુત્રીને ભગાડી જવાના આરોપ લગાવી યુવક સામે ફરિયાદ કરી હતી, જેને હાઇકોર્ટે રદ કરી દેતા મામલો સુપ્રીમ પહોંચ્યો હતો. સુપ્રીમે પણ હાઇકોર્ટના ર્નિણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં માતા પિતાએ હાઇકોર્ટના ફરિયાદ રદ કરી દેવાના ર્નિણયને પડકાર્યો હતો. જેની સુનાવણી વખતે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમારની બેંચે કહ્યું હતું કે જ્યારે તમારી પુત્રીએ લગ્ન કર્યા ત્યારે તે સગીર વયની નહીં પરંતુ પુખ્ત વયની હતી,
તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. અમે હાઇકોર્ટના ચુકાદામાં કોઇ જ દખલ દેવા નથી માગતા. મધ્ય પ્રદેશના માતા પિતાએ મહિદપુરના રહેવાસી યુવક સામે યુવતીને ભગાડી જવાનો, અને જાતિય શોષણ કરવાનો આરોપ લગાવી ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે યુવતીને ભગાડી જવામાં આવી ત્યારે તે ૧૬ વર્ષની હતી. આ મામલે બાદમાં આરોપી યુવકે મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અપીલ કરી હતી, હાઇકોર્ટે ફરિયાદ રદ કરી આપી હતી, સાથે નોંધ્યું હતું કે યુવતી પુખ્ત વયની છે અને મરજીથી લગ્ન કર્યા છે. બાદમાં યુવતીના પિતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે પિતાને સલાહ આપતા કહ્યું હતું કે સંતાનો ઢોર નથી, તેમને કેદ કરીને રાખવાનો તમને કોઇ જ અધિકાર નથી. તમે તમારી પુત્રી સાથે ઢોર જેવો વ્યવહાર કર્યો, અને તેના સંબંધોનો સ્વીકાર ના કર્યો. જ્યારે ફરિયાદ દાખલ કરાઇ ત્યારે યુવતી સગીર વયની નહોતી, હાઇકોર્ટના ર્નિણયમાં દખલ દેવા જેવુ કઇ નથી. સુપ્રીમ કોર્ટે બાદમાં પિતાની અરજીને ફગાવી હતી.
Recent Comments