ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓના સુચારુ આયોજન માટે અમરેલી જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે બેઠક સંપન્ન થઈ હતી.
જિલ્લામાં આગામી તા.૨૭ ફેબ્રુઆરી,૨૦૨૫ થી તા.૧૭ માર્ચ, ૨૦૨૫ સુધી ૪૮ કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષા યોજાશે.
જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ પરીક્ષા સમિતિના વિવિધ સભ્યોને દિશાનિર્દેશો આપ્યા હતા. કલેકટરશ્રીએ સૂચના આપતા કહ્યુ કે, પ્રત્યેક પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ દ્વારે પણ સીસીટીવી કેમેરાની સુવિધા રાખવામાં આવે. બિનજરુરી સાહિત્યને પરીક્ષા કેન્દ્રો પર લાવી ન શકાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે. વિવિધ કેન્દ્રો પર પીવાનું પાણી, જરુરી દવા, ઓ.આર.એસ. સહિતની જરુરી પ્રાથમિક દવાઓ સાથે મેડિકલ ટીમની જરુરી વ્યવસ્થા અને સ્વચ્છ સેનિટેશનની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
પરીક્ષા કેન્દ્રો અને સ્ટ્રોંગ રૂમ ખાતે સાતત્યપૂર્ણ વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે જરુરી વ્યવસ્થાઓ કરવામાં આવે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા અને પરત જવા માટે વાહન વ્યવહારની આવશ્યકતા હોય તે તમામ વિસ્તારોના પરીક્ષાર્થીઓને આવરી લઇ એસ.ટી. બસ સુવિધા આપવાામાં આવે. પરીક્ષા કેન્દ્રો પર ફરજ બજાવનારા વર્ગ-૦૪ના કર્મચારીશ્રીઓને તેમની ફરજ બાબતે માર્ગદર્શન મળી રહે તે માટે તેમની જરુરી તાલીમ થાય. પરીક્ષા કેન્દ્રો પર બિનઅધિકૃત વ્યક્તિઓ પ્રવેશ ન મેળવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે.
પરીક્ષા કેન્દ્ર ખાતે કોઈપણ પ્રકારની અગવડ કે અવ્યવસ્થા સર્જાઇ તો તેવા સંજોગોમાં અમરેલી જિલ્લા કંટ્રોલ રુમને તાત્કાલિક જાણ કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ વિશેષ સૂચન કર્યુ હતુ.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલે કહ્યુ કે, રાજ્ય સરકાર ના ‘ જાહેર પરીક્ષા વિધેયક’ ધો.૧૦-ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓને પણ આ વર્ષથી લાગુ પડશે, જે અંગેની જાણ વાલીગણ, આચાર્યશ્રીઓ, સુપરવાઇઝરશ્રીઓ, પરીક્ષાર્થીઓ અને પરીક્ષા ફરજ પર હોય તે સંબંધિત તમામને જાણ કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ વિશે વિગતો આપતા જણાવ્યુ કે, આગામી તા.૨૭ ફેબ્રુઆરી,૨૦૨૫ થી તા.૧૦ માર્ચ, ૨૦૨૫ દરમિયાન ધો.૧૦ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ યોજાશે. તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી તા.૧૭ માર્ચ, ૨૦૨૫ સુધી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ યોજાશે. અમરેલી જિલ્લામાં ધો.૧૦ની ૧૯,૪૯૫ અને સામાન્ય પ્રવાહ ૯,૫૭૨ અને વિજ્ઞાન પ્રવાહ ૧,૭૨૮ ૧૧,૩૦૦ સહિત વિદ્યાર્થીઓ ધો.૧૨ની પરીક્ષાઓ આપશે. આમ, જિલ્લામાં ૩૦,૭૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પ્રત્યેક કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની સુવિધા રહેશે. વધુમાં બોર્ડની પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત રહેશે. વિવિધ સ્ક્વોડ ટીમ દ્વારા પરીક્ષા કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લેવામાં આવશે.
મુક્ત અને પારદર્શી વાતાવરણમાં પરીક્ષા યોજાઇ શકે તે માટે જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર વર્ગ ૦૧-૦૨ કક્ષાના અધિકારીશ્રીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.
આ બેઠકમાં અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિયાણી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.જી. ગોહિલ, શિક્ષણ, આરોગ્ય, એસ.ટી. પી.જી.વી.સી.એલ સહિત સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ, પરીક્ષા સમિતિના સદસ્યશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments