”ભલે ફેંકાય પાસાં જૂઠના
આ રંગભૂમિ પર,
અમો તો પ્રામાણિકતાની જ
વિરાસત શોધીએ છીએ.”
”ગયો ક્યાં એ ચકલીનો કલબલાટ ને માણસાઈનો અહેસાસ?
હવે તો રાષ્ટ્રપ્રેમમાં ખુદની જ
જાત શોધીએ છીએ.”
–“પાંધી સર”
આજે જ્યારે વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય હેપ્પીનેસ ડે’ અને ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે માત્ર ઉત્સવ મનાવવાને બદલે ગહન ચિંતનની જરૂરિયાત ઊભી થઈ છે. એક તરફ લુપ્ત થતી ચકલીઓ પર્યાવરણની ચિંતા જન્માવે છે, તો બીજી તરફ માનવીના જીવનમાંથી ગાયબ થતી ખુશીઓ અને નૈતિક મૂલ્યો સામાજિક પતનનો સંકેત આપી રહ્યા છે.
ઈરાન અને યુક્રેન જેવા દેશો આજે ભલે યુદ્ધના જ્વરમાં હોય, પરંતુ તેમની અખૂટ રાષ્ટ્રભક્તિ વિશ્વને શીખવે છે કે જો દ્રઢ સંકલ્પ હોય તો ગમે તેવા શક્તિશાળી દેશ સામે પણ ટક્કર લઈ શકાય છે. ભારતને ‘વિશ્વગુરુ’ બનાવવાનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે આપણા લોહીમાં વહેતો રાષ્ટ્રપ્રેમ જ્ઞાતિવાદ અને કોમવાદના ભેદભાવોથી ઉપર ઉઠશે.
એક એ કડવું સત્ય પણ સ્વીકારવું જ રહ્યું
અને આ સંદર્ભે ચિંતાની બાબત મનોમંથન કરવામાં જેવી છે કે આઈ.આઈ.ટી. અને આઈ.આઈ.એમ. જેવી સંસ્થાઓમાં ભણતું આપણું યુવાધન વિદેશની વાટ પકડી રહ્યું છે.!!! આ સંદર્ભે તંત્ર દ્વારા સઘન મનોમંથન કરવાની જરૂર છે કે કેમ? એ આપ પર છોડીએ છીએ. આપણે આ પ્રતિભાઓને ભારતમાં જ સેવા કરવા માટે પ્રોત્સાહિત કરી શકતા નથી…!! હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ૧૪૭ દેશોમાંથી આપણો ૧૧૬મો ક્રમાંક એ સાબિત કરે છે કે સુખ માત્ર આર્થિક આંકડાઓમાં નહીં, પણ આત્મસંતોષમાં છે.
ચીન સાથેના તણાવ વચ્ચે પણ વધતી જતી આયાત એ આપણા ‘સ્વદેશી’ના દાવાઓ પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. જો આપણે ખરેખર આત્મનિર્ભર બનવું હોય, તો દંભ છોડીને શિક્ષણને રાજકીય મેદાન બનતું અટકાવવું પડશે અને સમાજને સાચા અર્થમાં જાગૃત કરવો પડશે. ખાલી નારાઓ કે મીઠી મીઠી સંમોહિત કરે એવી વાતોથી નહીં પરંતુ આત્મનિર્ભર સંદર્ભે સતત સંશોધન અને એ સંદર્ભે પૂર્ણ આર્થિક સ્વાયત્તતા પણ પ્રદાન કરવી પડશે.. બાકી ખાલી હિંદુત્વની વાતો કરીને પોકળતાના દાવા કરવા એ સાંપ્રત સમય માટે શોભાસ્પદ નથી.. આજે ખ્યાલ આવ્યો કે નાની એવી વાત રસોઈ બનાવવા માટે પણ આપણે વિદેશી ઈંધણ પર નિર્ભર રહેવું પડે છે..!!
















Recent Comments