અમરેલી

સાવરકુંડલાના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના અધિકારી અને એજન્સી દ્વારા સાવરકુંડલા-હાથસણી માર્ગ ની મરામતમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવતા ઉચ્ચ સ્તરે ફરિયાદ

સાવરકુંડલા હાથસણી રોડ ઉપર ગયા વર્ષે એજન્સી શ્રી શિવઓમ કન્સ્ટ્રક્શન પ્રા.લિ. અમરેલી દ્વારા પેવર પટ્ટા નું કામ કરવામાં આવેલ, જ્યારે સ્થળ ઉપર જોતા અમુક અમુક સ્થળ ઉપર ફક્ત ડામરનું પેચ વર્ક કરેલ હોય તેવું લાગે છે, તે પણ હલકી ગુણવત્તાનો ડામર વાપરી કામ કરેલ છે, જેથી મોટાભાગના પેવર પટ્ટા ઉખડી ગયેલ છે. આશ્ચર્ય તો એ છે કે માત્ર અમુક અમુક ડામરના પેવર પટ્ટા કરેલ હોય તેમ છતાં એજન્સીને ૩ (ત્રણ) બિલ ચૂકવી દીધેલ છે, જેમાં પહેલું બીલ તારીખ-  ૦૪/૧૧/૨૦૨૪ ના રોજ બનેલ અને પ્રથમ અને ફાઇનલ બિલ માં ૪૩૨.૭૦૦ મેટ્રિક ટન ડામરના જથ્થાનું કામ કરેલ અને બિલ રૂ. ૨૪,૪૨,૫૯૨/-  ની રકમનું બનાવેલ છે. તથા બીજું બીલ તારીખ- ૦૪/૧૧/૨૦૨૪ ના રોજ બનેલ પ્રથમ અને ફાઇનલ બિલ માં ૪૨૫.૮૦૦ મેટ્રિક ટન ડામરના જથ્થાનું કામ કરેલ અને બિલ રૂ. ૨૪,૦૩,૬૪૧/- ની રકમનું બનાવેલ છે. તથા ત્રીજું બિલ તારીખ- ૦૪/૧૧/૨૦૨૪ ના રોજ બનેલ પ્રથમ અને ફાઇનલ બિલ માં ૪૧૦.૪૭૦ મેટ્રિક ટન ડામરના જથ્થાનું કામ કરેલ અને બિલ રૂ. ૨૩,૧૭,૧૦૩/- ની રકમનું બનાવેલ છે. આમ સાવરકુંડલા તાલુકાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના ઈનચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર અને એજન્સી શ્રી શિવઓમ કન્સ્ટ્રક્શન પ્રા.લિ. અમરેલી સાથે મિલીભગત કરી માપ સાઈઝ કરતા તદ્દન ઓછી અને હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરી અધધ રકમ રૂ. ૭૧,૬૩,૩૩૬/-  ના કુલ ત્રણ બિલ બનાવેલ છે, જેમાં અંદાજે ૪૦ લાખથી ૪૫ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે. ભ્રષ્ટાચારના આ પેવર પટ્ટા થોડાક દિવસોમાં તૂટી ગયેલ હોય હાલમાં આ રોડ સાવ જર્જરીત હાલતમાં છે. પેવરપટ્ટા ના કામમા એસ્ટીમેટની સ્પેસિફિકેશન મુજબ ડામર મિશ્ર કરવાનો હોય છે, તેના બદલે એજન્સી અને ઈનચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા માત્ર રોડ ઉપર ડામરનો છટકાવ કરીને વેટમિક્સ પાથરેલ છે. આમ માર્ગ અને મકાન (પંચાયત) પેટા વિભાગ સાવરકુંડલાના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર અને એજન્સી શ્રી શિવઓમ કન્સ્ટ્રક્શન પ્રા.લિ. અમરેલી દ્વારા મેળાપીપણુ કરી સરકારશ્રીના લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે. આ અંગે સાવરકુંડલા- હાથસણી રોડની ફરિયાદ અન્વયે ડામર પેવર પટ્ટા માંથી ડામર સેમ્પલના નમૂનાઓ  પરીક્ષણ કરવામાં આવે અને પરીક્ષણ સરકારી પરીક્ષણ એજન્સી (GERI) માં અમારી રૂબરૂ કરવામાં આવે, તેમ જ આ અંગે તપાસ સમિતિ બનાવી તટસ્થ પણે તપાસ કરી, આ ભ્રષ્ટાચારના કેન્દ્ર બિંદુ સમાન ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર વિરુદ્ધ તપાસ કરી તેની વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે, તેમજ તપાસના અંતે જે કંઈ રકમનો ભ્રષ્ટાચાર કરેલ હોય તેની રિકવરી પણ તેની પાસેથી અચૂક કરવામાં આવે, તેવી ફરિયાદ સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા ઉચ્ચસ્તરે કરવામાં આવેલ છે.
હાલમાં જ્યારે ગુજરાતના પ્રમાણિક અને નિષ્ઠાવાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગમાંથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિને જડમૂળમાંથી નેસ્ત નાબૂદ કરવાનું બીડું ઝડપ્યું હોય, અને આ અંતર્ગત માર્ગ અને મકાન વિભાગના ઘણા અધિકારીઓને સસ્પેન્ડ કરી ઘર ભેગા કરેલ હોય, ત્યારે સાવરકુંડલાના આવા ભ્રષ્ટાચારી અને લાંચીયા અધિકારી વિરુદ્ધ ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા રામદેવસિંહ ગોહિલ દ્વારા સરકારશ્રીમાં સંબંધીત વિભાગમાં રજૂઆત કરવામાં આવેલ છે.

Related Posts