૯૭–સાવરકુંડલા–લીલીયા વિધાનસભા મત વિસ્તારમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા ભાજપ માટે મત ચોરીનું સાધન બની ગઈ હોવાનો હવે ખુલ્લો પુરાવો સામે આવ્યો છે. ૮૦૦૦થી વધુ ફોર્મ નં–૭ ૪૫થી વધુ ત્રાહિત અને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ભરાવામાં આવ્યા હોવાની હકીકત એ સાબિત કરે છે કે આ કોઈ પ્રશાસનિક પ્રક્રિયા નહોતી, પરંતુ મતાધિકાર છીનવવાનો પૂર્વ આયોજિત રાજકીય ષડયંત્ર હતું
કોંગ્રેસ દ્વારા માંગવામાં આવેલી માહિતી પરથી સ્પષ્ટ થયું છે કે ફોર્મ નં–૭નો વ્યાપક દુરુપયોગ ભાજપ દ્વારા વિચારપૂર્વક, આયોજનબદ્ધ રીતે અને ચોક્કસ રાજકીય લાભ માટે કરવામાં આવ્યો છે. મતદારોને મતદાનથી દૂર રાખવા માટે ખોટા નામો, ખોટી સહી અને ખોટા ચૂંટણીકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો — જે સીધો સીધો બંધારણ અને લોકશાહીના મુખ પર સિધ્ધો વાર છે
આ ગંભીર કૌભાંડ સામે કોંગ્રેસ પક્ષે તા. ૦૫/૦૨/૨૦૨૬ના રોજ પ્રતાપ દુધાત, પ્રમુખશ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ ERO અને નાયબ કલેકટરશ્રી, સાવરકુંડલા સમક્ષ આવેદનપત્ર પાઠવી ભાજપના આ કાળા કારસ્તાનને ઉજાગર કર્યું હતું. સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી કે મતદારોના નામ કમી કરવા માટે ખોટી રીતે દાખલ કરાયેલા તમામ ફોર્મ નં–૭ તાત્કાલિક રદ કરવામાં આવે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે.
ભાજપના જુઠ્ઠાણાં પર સૌથી મોટો પ્રહાર ત્યારે થયો જ્યારે સાવરકુંડલા તાલુકાના સરપંચ શ્રી નરેશભાઈ ભરતભાઈ ખુમાણે પોતે એફિડેવિટ આપી જાહેર કર્યું કે તેમના નામ અને ચૂંટણીકાર્ડનો તેમની જાણ અને મંજૂરી વગર દુરુપયોગ કરી ફોર્મ નં–૭ ભરવામાં આવ્યા છે. આંબા ગામના ૫૮ સહિત અન્ય અનેક ગામોના મતદારો સામે તેમની કોઈ સહી નથી, કોઈ સંમતિ નથી અને કોઈ વાંધો નથી — છતાં ભાજપે તેમના નામે વાંધા ઉભા કર્યા.
આ એફિડેવિટ ભાજપ માટે ચાર્જશીટ સમાન પુરાવો છે. હવે સ્પષ્ટ છે કે ભાજપે સરપંચશ્રી સહિત સામાન્ય નાગરિકોને આગળ કરી, પાછળથી સત્તાનો દુરુપયોગ કરીને મત કાપવાની ષડયંત્રાત્મક રમત રમી છે. ભાજપનું લોકશાહી વિરોધી ચહેરું હવે જનતા સામે નિર્વસ્ત્ર બની ગયું છે.
કોંગ્રેસ પક્ષ સ્પષ્ટ ચેતવણી આપે છે કે આ તમામ ખોટા, ફ્રોડયુક્ત અને ષડયંત્રાત્મક ફોર્મ નં–૭ તાત્કાલિક રદ કરવામાં આવે, સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ થાય અને સાચા ગુનેગાર સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર મામલે દિન પાંચની અંદર ERO તથા નાયબ કલેકટરશ્રી દ્વારા ફોર્મ નં–૭ના દુરુપયોગમાં સંડોવાયેલા ૪૫થી વધુ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. જો આ સમયમર્યાદા દરમ્યાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આ મુદ્દે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં ન્યાયપાલિકાનો દરવાજો ખખડાવશે અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. મતાધિકાર પર હુમલો કરનાર કોઈને પણ કાયદાના ચુંગાળેથી બચવા નહીં દેવામાં આવે — એવી કડક ચેતવણી પ્રતાપ દુધાતે આપી હતી.
આજે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ મતોથી જીતવામાં નિષ્ફળ જાય છે, તેથી હવે મતદારને જ કાઢી નાખવાની રાજનીતિ કરે છે. પરંતુ સાવરકુંડલાની જનતા આ ષડયંત્રને ક્યારેય સફળ થવા નહીં દે — અને કોંગ્રેસ પણ નહીં દે.


















Recent Comments