અમરેલી

સાવરકુંડલાના યુવા એડવોકેટ દેવર્ષિ બોરિસાગરની માંગ: દોડનું અંતર ઘટાડવા અથવા સમયમર્યાદામાં છૂટછાટ આપવા માનવીય અભિગમ અપનાવવા પત્ર લખ્યો

ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના સ્વાસ્થ્ય અને જીવન સુરક્ષાને લઈને સાવરકુંડલાના યુવા એડવોકેટ દેવર્ષિ બોરિસાગર દ્વારા રાજ્યના ગૃહમંત્રીને એક મહત્વપૂર્ણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. તેમણે ઉમેદવારોના હિતમાં રનીંગ (દોડ)ના નિયમોમાં વૈજ્ઞાનિક અને માનવીય દૃષ્ટિકોણથી સુધારા કરવાની ભારપૂર્વક માંગ કરી છે. ગુજરાત ​ગૃહમંત્રીને સંબોધિત પત્રમાં એડવોકેટ દેવર્ષિ બોરિસાગરે જણાવ્યું છે કે, હાલની વ્યવસ્થા મુજબ પુરુષ ઉમેદવારો માટે પાંચ  કિલોમીટરની દોડ પચ્ચીસ મિનિટમાં પૂર્ણ કરવી ફરજિયાત છે. ભૂતકાળમાં આ કઠિન કસોટી દરમિયાન અનેક ઉમેદવારોને હાર્ટ એટેક આવવા અથવા શારીરિક ક્ષમતા ખૂટી જવાને કારણે મૃત્યુ થયાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ બાબત ઉમેદવારોના પરિવાર અને સમાજ માટે અત્યંત ચિંતાજનક છે.

​અહેવાલ મુજબ, એડવોકેટ દ્વારા નીચે મુજબના સુધારા સૂચવવામાં આવ્યા છે:

​ પાંચ  કિલોમીટરની દોડનું અંતર ઘટાડીને તેને વધુ વ્યવહારુ બનાવવું.જો અંતર યથાવત રાખવામાં આવે, તો સમયમર્યાદામાં યોગ્ય વધારો કરવો જેથી ઉમેદવારો પર અતિશય દબાણ ન આવે.

 દોડની કસોટી પહેલાં દરેક ઉમેદવારનું પૂર્વ તબીબી પરીક્ષણ કરવામાં આવે, જેથી કોઈ ગુપ્ત બીમારી કે શારીરિક તકલીફ હોય તો જાનહાનિ ટાળી શકાય.

​”પોલીસ દળ માટે શારીરિક તંદુરસ્તી અનિવાર્ય છે, પરંતુ કોઈ પણ ભરતી કે પરીક્ષા યુવાનોના જીવનથી વધુ કિંમતી નથી.” – દેવર્ષિ બોરિસાગર (યુવા એડવોકેટ)

​રજૂઆતમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, મોટાભાગના ઉમેદવારો ગ્રામ્ય વિસ્તાર અને સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારોમાંથી આવે છે. યોગ્ય માર્ગદર્શન કે તબીબી સલાહ વિના સીધી જ આવી કઠિન દોડમાં ભાગ લેવો તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આગામી પોલીસ ભરતીમાં સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે તેવી આશા સેવાઈ રહી છે.

Related Posts