જિલ્લામાં વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે પ્રતિદિન ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ‘વિકાસ રથ’ પરિભ્રમણ કરી રહ્યો છે, જેના થકી અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી ૨૪ વર્ષના જનવિશ્વાસ, સેવા અને સમર્પણની ગાથા પહોંચી રહી છે. આ કડીના ભાગરૂપે આજરોજ અમરેલી સ્થિત સેન્ટર પોઈન્ટ ખાતે નગરપાલિકા અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
અમરેલી નગરપાલિકા અંતર્ગત આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. લાભાર્થીઓને આભા કાર્ડનો લાભ પણ પૂરો પાડવામાં આવ્યો હતો. ઉપરાંત પીએમ સ્વનિધિ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સ (શેરી ફેરિયાઓને)ને રૂ. ૧૫ હજાર અને રૂ. ૨૫ હજારના સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પીએમ સ્વનિધિ યોજના શેરી વિક્રેતાઓ માટે છે. ન્યુનતમ રૂ. ૧૦ હજાર અને મહત્તમ રૂ. ૫૦ હજાર સુધીની લોન મળવાપાત્ર છે. સ્ટ્રીટ વેન્ડર્સ (શેરી વિક્રેતા) સ્વદેશી ચીજવસ્તુઓનો વેપાર કરીને આત્મનિર્ભર ભારત અભિયાનને બળ પૂરું પાડે છે.
અમરેલી સ્થિત સેન્ટર પોઈન્ટ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી બિપીનભાઈ લીંબાણી, ઉપપ્રમુખ શ્રી, નગરપાલિકા મુખ્ય અધિકારીશ્રી વિનોદભાઈ રાઠોડ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments