આગામી તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૫ને શુક્રવાર રોજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાના ધારી મુકામે આવેલા આંબરડી સફારી પાર્કની મુલાકાત કરશે. રાજ્યપાલશ્રીની અમરેલી જિલ્લાની મુલાકાતના સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ, રાજ્યપાલશ્રીની આંબરડી સફારી પાર્કની મુલાકાત કાર્યક્રમના આયોજન અંગે વન, પોલીસ, માર્ગ અને મકાન, ફાયર, ખોરાક અને ઔષધ નિયમન, આરોગ્ય, ફાયર સેફ્ટી, સિંચાઈ સહિતની કચેરીઓને કરવાની થતી કામગીરી બાબતે દિશાનિર્દેશો આપ્યા હતા.રાજ્યપાલશ્રી ધારી મુકામે આવેલા આંબરડી સફારી પાર્કમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત કરશે અને ત્યારબાદ આંબરડી સફારી પાર્ક ખાતે એશિયાટિક સિંહ સહિતના વન્ય જીવોનું વિચરણ નિહાળશે ત્યારબાદ પરિસરમાં રાજ્યપાલશ્રીના હસ્તે વૃક્ષારોપણ થશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, ધારી નાયબ વનસંરક્ષકશ્રી ઝાલા, અધિક જિલ્લા કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ, ધારી, અમરેલી અને લાઠી પ્રાંત અધિકારી શ્રી, ધારી મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી નાયબ પોલીસ અધિક્ષકશ્રી, આરોગ્ય, માર્ગ અને મકાન, ફાયર, નગરપાલિકા, ફૂડ સેફ્ટી, સિંચાઈ વગેરે કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments