ભાવનગર

સણોસરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રૈયાબેન મીયાણીના અધ્યક્ષસ્થાને ‘કૃષિ વિકાસ‌ દિન’ તેમજ ‘રવિ કૃષિ મહોત્સવ’નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે
જેના ભાગરૂપે જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી રૈયાબેન મીયાણીએ શિહોર તાલુકાના સણોસરાથી ‘કૃષિ વિકાસ દિન’ ની
સાથે જિલ્લાકક્ષાના બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ‌‌-૨૦૨૫’નો પ્રારંભ કરાવ્યો હતો. જેનો હેતુ ખેડૂતોને રવિ
સિઝનમાં કૃષિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની
સમજ આપવાનો છે.
સણોસરા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉ. અરૂણભાઈ દવેએ જણાવ્યું હતુ કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે.
ખેડૂતોની આવક વધે તે માટે સરકારે હરહંમેશા પ્રયાસ કર્યો છે, રવિ કૃષિ મહોત્સવ જેવાં અનેક કાર્યક્રમો યોજીને
ખેડૂતોને કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શક પુરૂં પાડવામાં આવી રહ્યું છે ત્યારે આપણી પણ એક જવાબદારી બને
છે કે, પ્રકૃતિને અનુકૂળ હોય તેવી ખેતી આપણે સૌએ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, ખેતી એટલે ખોટનો ધંધો એવું
બધાં માને છે પરંતુ ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો અવશ્ય ખેતીની આવકમાં
વધારો કરી શકાય છે. તેમણે કહ્યું કે, આજે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગથી ગંભીર
પ્રકારની બિમારીઓ લોકોમાં જોવા મળી રહી છે ત્યારે અવશ્ય પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ગ્રામ વિદ્યાપીઠ લોકભારતી સણોસરા દ્વારા લોક-૧ પછી ૪૪ વર્ષે સંશોધનકારોની
મૂલ્યનિષ્ઠ ધીરજના પરિણામે ઘઉંની બીજી શ્રેષ્ઠ જાત લોક-૭૯ જાતની શોધ કરી છે અને આ ઘઉંની જાતને ભારત
દેશે માન્યતા આપી છે. લોક-૧ જાત ઉત્પાદન ક્ષેત્રે તો લોક-૭૯ જાત પોષણયુક્ત ગુણવત્તા ક્ષેત્રે અગ્રેસર સાબિત થઈ
છે. આમ, આજે ૪૪ વર્ષ પછી પણ લોક-૧ તેની ગુણવત્તા સાથે દેશભરમાં પ્રથમ સ્થાને ટકી રહી છે. આવી જ રીતે

લોક-૭૯ જાત પણ ઘઉંના સંશોધન ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન ઉભું કરશે. લોકભારતી દ્વારા ટૂંકાગાળામાં જ લોક-૮૩
જાતનું સંશોધન પણ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે તેમ તેમણે જણાવ્યું હતુ.
આ વેળાએ કૃષિ વિકાસ કેન્દ્ર સણોસરાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડૉ. નિગમ શુક્લે
લોકભારતી સણોસરા ખાતે ઘઉંની જાત‌ અંગે‌ થતાં સંશોધનોની જાણકારી આપી મહત્તમ પ્રાકૃતિક ખેતી કરવા
અપીલ કરી હતી.
મહાનુભાવોના હસ્તે કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત
કરવામાં આવ્યા હતા. ખેડૂતોને વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંતર્ગત રૂ. ૮ કરોડથી વધુની‌ સાધન-સહાયનું વિતરણ
કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રગતિશીલ ખેડૂત શ્રી રઘુવીર સિંહ ગોહિલે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતાં.
કાર્યક્રમ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મીયાણી,‌ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી
સહિતના મહાનુભાવોએ બાગાયતી પાકો અંગેના પ્રદર્શની સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
પ્રારંભમાં ખેતી નિયામક તાલીમ જે. એન. પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. નાયબ બાગાયત નિયામક શ્રી
એમ.બી.વાઘમશીએ આભારવિધિ કરી હતી. ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
સણોસરા સંસ્થા ખાતે યોજાયેલા ‘કૃષિ વિકાસ દિન’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’ના સમારંભોમાં જિલ્લા વિકાસ
અધિકારી શ્રી હનુલ ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મહમદ રિઝવાન ઘાંચી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી
લીલાબેન મકવાણા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લાના અધિકારીઓ- પદાધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં
ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts