ગુજરાત

પોલીસની હપ્તાખોરીને કારણે ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે, વ્યસનોથી યુવા પેઢી બરબાદ થઇ રહી છે : અમિત ચાવડા

• 3 દાયકાના ભાજપના શાસનમાં ભયને ભ્રષ્ટાચાર વધ્યો : અમિત ચાવડા
• પોલીસની હપ્તાખોરીને કારણે ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે, વ્યસનોથી યુવા પેઢી બરબાદ થઇ રહી છે : અમિત ચાવડા
• પોલીસમાં એક વર્ગ પ્રમાણીકતાથી અને નિષ્ઠાપુર્વક ફરજ બજાવવાવાળા જયારે બીજા હપ્તાખોર, જમીન – મિલકતોના કબ્જા લઇ ભ્રષ્ટાચાર કરવા વાળા : અમિત ચાવડા
• વિદેશી દારૂ બીજા રાજ્યની સરહદોથી ગામ સુધી પહોંચે છે કઈ રીતે? મોટા પોલીસ અધિકારીઓની જવાબદારી નક્કી કરો : અમિત ચાવડા
• ગુજરાત ડ્રગ્સનું લેન્ડીંગ હબ, મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે, ટીન એજર્સ ડ્રગ્સના દુષણમાં સપડાઈ રહ્યા છે : અમિત ચાવડા

ગુજરાત વિધાનસભા આજે ગૃહ વિભાગ મુદ્દે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ રાજ્યમાં ફેલાયેલી અશાંતિ અને નિષ્ફળ નીવડેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે જણાવ્યું કે આજથી ત્રણ દાયકા પહેલાં ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર હતું કે ‘ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર’ નાબૂદ કરીશું પણ છેલ્લા ત્રણ દાયકાના શાસનમાં જે રીતે સરકારની ઇચ્છાશક્તિનો અભાવ, ક્યાંક (મીલી-ભગત) અને હપ્તાખોરીના કારણે આજે ગુજરાતની ગલીઓથી લઈને ગાંધીનગર સુધી દરેક જગ્યાએ દારૂ વેચાઇ રહ્યો છે, દારૂ પીવાઈ રહ્યો છે અને એમાં ખાસ કરીને ચિંતાનો વિષય યુવાનોની જીંદગી બરબાદ થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂ વેચાય છે એ ખરેખર કોઇ દેશી દારૂના બદલે કેમિકલયુક્ત દારૂ હોય છે. અનેક જગ્યાએ લઠ્ઠાકાંડના બનાવો નડિયાદ અને બોટાદમાં જોયા છે અને લોકોના જીવ જતા જોયા છે. દેશી દારૂના કારણે નાની ઉંમરે યુવાનો મોતના મુખમાં ધકેલાય છે અને એના કારણે નાની ઉંમરે બહેનો વિધવા બની રહી છે અને એમના પરિવારનું જીવન બરબાદ થઇ રહયું છે. થોડા હપ્તાની લાહ્યમાં જે પોલીસ તંત્ર આંખ આડા કાન કરે છે, એને આશીર્વાદ આપે છે એના કારણે ગુજરાતમાં આજે મોટી સંખ્યામાં યુવાનો નાની ઉંમરે મૃત્યું પામી રહ્યા છે અને બેન-દીકરીઓ વિધવા થઇ રહી છે.
શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે ૬.૫ કરોડ જનતાની સલામતીની જવાબદારી જે ગૃહ વિભાગના માથે છે એ ગૃહ વિભાગમાં એક નિષ્ઠાથી, ઓછી સુવિધા, ઓછા પગારમાં કામ પોલીસ કર્મીઓ રહ્યા છે અને બીજી બાજુ એવા પોલીસ અધિકારીઓ-કર્મીઓ કે જેઓ તોડબાજી કરતાં હોય છે, જમીનોના સેટિંગ કરતા હોય છે. ગાંધીના ગુજરાતમાં કાયદો માત્ર કાગળ પર છે, ગુજરાતનું કોઈપણ ગામ, કોઈપણ ગલી એવી નહી હોય કે જ્યાં દારૂ વેચાતો નહી હોય. ગામથી લઈને ગાંધીનગર સુધી દારૂ વેચાય છે, પીવાય છે એનું એક માત્ર કારણ સરકારની નિષ્ફળતાઓ છે, સરકારની ઇચ્છાશક્તિનો અભાવ છે, અને બૂટલેગરો પાસેથી જે પોલીસ ધ્વારા હપ્તા લેવાય છે એ એનું કારણ છે. ગુજરાતમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દમણ – સેલવાસ થી જે દારૂ ગુજરાતમાં ઘૂસે છે એ મુદ્દે અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા કે ગુજરાતમાં દારૂ આવે છે તેને રોકવામાં આવતો નથી, ગૃહ મંત્રી કહેતા હતા કે મોટા સ્કેનરો બોર્ડર પર મુકીશું જેનાથી ગુજરાતમાં એક બોટલ પણ દારૂ નહીં આવે તો આ સ્કેનરો ક્યાં ગયા? કાંતો હપ્તા આપવાના કારણે આ સ્કેનરો બંધ થઈ ગયા.
શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે અંબાજીની બોર્ડર પરથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ આવે અને છેક આણંદ જિલ્લામાં દારૂ પકડાય તો એમાં કોઈ PSI – PI ને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે તો શું અંબાજીથી બનાસકાંઠા જિલ્લા, મહેસાણા જિલ્લા, ગાંધીનગર જિલ્લાના SP કે રેન્જ IG ની જવાબદારી નથી? IB નું જે તંત્ર છે એની કોઈ જવાબદારી નથી ? પણ ફક્ત ને ફક્ત નાના કર્મચારી PSI – PI ને સસ્પેન્ડ કરવામાં આવે છે.
તાજેતરમાં એક IPS અધિકારી ધ્વારા કરવામાં આવેલ તોડ મુદ્દે શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે રર કરોડ રૂપિયા જેટલો તોડ થયો છે, આખા ગુજરાતમાં આજે એવી પરિસ્થિતિ છે કે જમીનના કબજા લેવાના હોય, કયાંક પતાવટો કરવાની હોય તો કેટલાક ચોકકસ અધિકારીઓ એમાં પૂરેપૂરો રસ લેતા હોય છે, એમાંથી મોટી રકમ લેતા હોય છે અને વૈભવી જીવન જીવતા હોય છે. હમણા ગૃહ વિભાગે બહાર પાડયું કે જે ગુંડા તત્વો હોય એના નામ આપો, એનું લિસ્ટ બનાવો.
શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે ગુંડાઓના લિસ્ટની સાથેસાથે તમારા વિભાગમાં જેટલા અપ્રમાણિક અધિકારીઓ છે, જે આવા જમીનના કે બીજા કામ કરી, ખોટા હપ્તા મેળવી અને લાખો, કરોડોની મિલકતો વસાવે છે અને વૈભવી જીવન જીવે છે એમનું પણ લિસ્ટ બનાવજો. એમની પણ તપાસ કરજો તો સામાન્ય લોકોને અત્યારે જે હેરાનગતિ થાય છે જે લોકોને દબાવવામાં આવે છે એમાંથી લોકોને શાંતિ મળે.
શ્રી અમિત ચાવડાએ ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી ને ટાંકીને કહ્યું કે રાજ્યમાં જે રૂ. ૭૩૫૦ કરોડ એટલે કે ૬૫ ટકા ડ્રગ્સ ગુજરાતના બંદરો ઉપર ઉતર્યુ છે. આજે ગુજરાત ડ્રગ્સનું લેન્ડીંગ હબ બની ગયું છે, એ અંકલેશ્વર હોય, દહેજ હોય, વલસાડ હોય, વડોદરા હોય, સાવલી હોય, સાણંદ હોય કે ખંભાત હોય, આજે ગુજરાતમાં અનેક જગ્યાએ ફાર્માસ્યુટીકલ કંપનીઓની આડમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનું મેન્યુફેકચરીંગ થાય છે. ખાલી લેન્ડીંગ હબ નહીં આપણા રાજયમાં આપણા વહીવટની નિષ્ફળતાઓને કારણે ફાર્માસ્યુટીકલ કંપનીઓમાં ડ્રગ્સનું મેન્યુફેકચરીંગ થઇ રહ્યું છે અને આપણે એને રોકી શકતા નથી. ચાની લારી ઉપર ડ્રગ્સ મળે, ભજીયાની દુકાને મળે, પાનના ગલ્લે ડ્રગ્સ મળે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે તમારા કે મારા કોઇના પણ પરિવારનો ટીનેજર શાળાએ જાય, કોલેજે જાય તો ડ્રગ્સના રવાડે નહીં ચડી જાયને એની ચિંતા આજે આપણને બધાને છે. સંસ્કારની વાત કરતા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના જે કાર્યકરો છે જે ડ્રગ્સના પેડલર તરીકે પકડાયા છે. એના ખુલાસા નથી થતા પણ અહીંયા આગળ આપણે બધાએ ચિંતા કરવી પડે કે આ ડ્રગ્સનું દુષણ વધે નહીં એવી સરકારને વિનંતી છે.
વધુમાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે અમદાવાદ સહીત ગુજરાતમાં ખુલ્લેઆમ ટપોરીઓ, ગુંડાઓ તલવાર લઇને, લાકડીઓ લઈને, બાનમાં લે, લોકોને ભય હેઠળ જીવવું પડે, લોકો ઉપર હુમલા થાય અને એકબાજુ મંત્રી એમ કહે કે વરઘોડા તો નીકળશે, બીજી બાજુ રાજય પોલીસવડા એમ કહે કે ના, વરઘોડો કાઢવાનો કોઈ કાયદો નથી. કાયદામાં જોગવાઇ નથી. અમે વરઘોડો નથી કાઢતા, અમે તો ખાલી બનાવનું, ઘટનાનું રીકંસ્ટ્રકશન કરીએ છીએ. મારે જાણવું છે કે મંત્રી સાચા કે ગૃહ વિભાગ સાચો? વરઘોડા કાઢવાજ હોય તો શું કામ ખનન માફીયાઓના વરઘોડા નથી નીકળતા? શું કામ ડ્રગ્સ માફીયાઓના વરઘોડા નથી નીકળતા? શું કામ ભૂ-માફીયાઓના વરઘોડા નથી નીકળતા? શું કામ મેડિકલ માફીયાઓના વરઘોડા નથી નીકળતા?

Related Posts