સમગ્ર રાજ્યમાં તા. ૦૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કડીના ભાગરૂપે અમરેલી મુકામે શુક્રવારે તા.૧૦ ઓક્ટોબરના રોજ ‘ઉદ્યોગ સાહસિકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમરેલી ખાતે યોજાયેલા સમારોહમાં જિલ્લાના સફળ ઉદ્યોગપતિઓએ ઉપસ્થિતોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમરેલી દ્વારા આપવામાં આવેલી બ્યુટી પાર્લરના વ્યવસાયની તાલીમ પૂર્ણ કરનારા બહેનોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વર્કશોપમાં ઉદ્યોગ સાહસિકતાઓને આજની જરૂરિયાત, એમ.એસ.એમ.ઈ સહાય યોજનાઓ, નાણાકીય સહાય અને બજાર તકો, મહિલા અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે વિશેષ માર્ગદર્શન સત્રનું આયોજન તથા ઉદ્યોગ સાહસિકોનાં વિકાસ માટે ઔદ્યોગિક-વ્યાપારિક સંગઠન સાથે જિલ્લામાં રહેલી ઔદ્યોગિક શક્યતાઓ વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રી ભગીરથ ત્રિવેદીએ અમરેલી જિલ્લાના સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરનારા ઉદ્યોગ શીતલ આઇસક્રીમની સાફલ્યગાથા વર્ણવી હતી. આ ઉપરાંત ફરસાણની દુકાનમાંથી મજેદાન મસાલા નામની પ્રભાવિત બ્રાન્ડ ઉભી કરનારા અમરેલીના સ્થાનિક ઉદ્યોગપતિની સાફલ્યગાથા વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકો માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અભિયાનનો પ્રારંભ અમરેલીની ટાવર બજારથી કરાવી અને વેપારીઓની દુકાન પર સ્વદેશી ઉત્પાદના સ્ટીકર લગાવ્યા હતા, જેના કારણે વેપારીઓને પ્રોત્સાહન મળ્યું છે.’
આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના શ્રી હડિયાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. વાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત રાજ્ય સરકારે સબસીડીમાં વધારો કરી રૂ. ૩.૭૫ લાખ કર્યા છે. જેમાં બહેનો અને એસ.સી. તેમજ એસ.ટી. સમાજના ભાઇઓ બહેનો તેમજ દિવ્યાંગજનોને રૂ. ૦૫ લાખ સુધીની સબસીડી મળે છે. ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં ૨૭૭ લાભાર્થીને રૂ. ૨૩૪ લાખની સહાય વાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત ચૂકવવામાં આવી છે. ૧૮ વર્ષથી વધુ વયના અને વ્યવસાય શરૂ કરવા માગતા અરજદારોને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર લોન અને સબસીડી મેળવવામાં સહાયતા આપે છે. જેનો લાભ લેવા માટે સૌ સાહસિકોને અનુરોધ છે.
આ કાર્યક્રમમાં અમરેલીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી કમલેશ દવેએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ સહાયો વિશે માહિતી આપી હતી. ઉદ્યોગપતિશ્રી સાગરભાઈ સાવલિયા, શ્રી પિયૂષભાઈ ભૂત, શ્રી કિર્તીભાઈ ચોડવડિયા અને શ્રી અનિલભાઈ લોકડિયાએ તેમની સાફલ્ય ગાથાઓ વર્ણવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વતી મહેમોનોનું શાબ્દિક સ્વાગત એકાઉન્ટ ઓફિસરશ્રી એન.વી. ચૌહાણે કર્યું હતું. કાર્યક્રમની આભારવિધી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ કમિશ્નરશ્રી જેતપુરાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રાજેશ પાનસુરીયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ અને મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા



















Recent Comments