કાલાવડના ધુન ધોરાજી ગામમાંથી એક પરિવારનું અપહરણ કરી જનાર ચારેય આરોપીઓની અટકાયત બંધકોને મુક્ત કરાવામાં આવ્યા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામેથી એક પરિવારના ૩ સભ્યોનું અપહરણ કરીને લઈ જનાર ૪અપહરણકારોને કાલાવાડ ગ્રામ્ય પોલીસે બોલેરો ગાડી સાથે ઝડપી લઈ ૩ ભોગબનનારને સહી સલામત રીતે મુક્ત કરાવ્યા છે. કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કૈલાશભાઈ સપડભાઈ સોલંકી તથા કૈલાશભાઇના પત્ની ઉષાબેન તથા કૈલાશભાઈના પુત્રી નિશાબેનનું ગઇકાલે વહેલી સવારે અપહરણ થઈ ગયું હતું.
અને આરોપી વિક્રમ શમશીંગભાઇ દેસાઇ તથા ગનુ માવી તથા ૨ અજાણ્યા માણસો ત્રણેયને ખેંચીને બળજબરી પૂર્વક એક સફેદ કલરની બોલેરો કાર નં. જી.જે. ૧૦- ડી.એન. ૦૩૦૧માં બેસાડી ચારેય આરોપીઓ અપહરણ કરી ગયા હતા. જે અપહરણકારો તથા ભોગબનનારને શોધી કાઢવા માટે અલગ-અલગ દિશાઓમાં પોલીસ ટીમો સક્રીય કરી હતી. જેના ભાગરૂપે પો.સ.ઇ. વી. એ. પરમાર તથા ટીમે આરોપીઓના ટેકનીકલ ઈનપુટ મેળવ્યા હતા તેમજ ટેકનીકલ શોર્સીસના આધારે જાણવા મળ્યું હતું કે, આરોપીઓ ભોગ બનનારને લઇને અલીરાજપુર મધ્યપ્રદેશ બાજુ જઈ રહયા છે. તેમજ તારાપુર વડોદરા રૂટ ઉપર છે. જેથી તેઓનો પીછો કરી વડોદરા ગ્રામ્યના જરોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી, સ્થાનિક પોલીસની મદદ લીધી હતી, પાવગઢ હાઇવે પર નાકાબંધી કરાવી તમામ આરોપીઓ વિક્રમ જમસિંગ દેસાઇ, શમશેર પારમસિંગ માવી, ગનુ રંગસિંગ માવી અને ગુરુ કાદીભાઇ માવીની અટકાયત કરી લીધી છે, અને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ત્રણેયની વધુ પૂછપરછ હાથ ધરી છે જ્યારે ત્રણેય બંધકોને મુક્ત કરાવ્યા છે.


















Recent Comments