અમરેલી

જિલ્લામાં ‘નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ’  અંતર્ગત  FLNAT પરીક્ષા ઉત્સાહભેર સંપન્ન : કુલ ૧,૯૭૪ પરીક્ષાર્થીઓ નોંધાયા

તાજેતરમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અમલી ‘નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ’ (Ullhas) અંતર્ગત નિરક્ષર વ્યક્તિઓને પાયાનું શિક્ષણ આપવા માટે સમગ્ર દેશમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન કસોટી (FLNAT) યોજવામાં આવી હતી. આ જ કડીમાં અમરેલી જિલ્લામાં પણ તા. ૧૫/૦૩/૨૦૨૬ના રોજ કુલ ૩૨૨ કેન્દ્રો પર આ પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧,૯૭૪ પરીક્ષાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ દ્વારા અમરેલી શહેરની જેસીંગપરા કન્યાશાળામાં કાર્યરત પરીક્ષા કેન્દ્રની રૂબરૂ લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સાક્ષરતા અભિયાનની પ્રગતિ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પરીક્ષાના સફળ સંચાલન માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ. બી. ગોહિલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કે. વી. મિયાણીના સીધા માર્ગદર્શન હેઠળ ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ સંપૂર્ણ સંકલનની જવાબદારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ અને બી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રીઓ દ્વારા સુપેરે નિભાવવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાના તમામ સી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રીઓએ પણ સક્રિય ઉમદા સહકાર પૂરો પાડ્યો હતો. શાળા કક્ષાએ આચાર્યશ્રીઓ અને શિક્ષકો દ્વારા ગામડાઓમાં કરવામાં આવેલી મહેનત અને જનજાગૃતિના પરિણામે મોટી સંખ્યામાં વડીલો અને નિરક્ષર ભાઈ-બહેનો આ પરીક્ષામાં જોડાયા હતા. નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી શ્રી જી. એમ. સોલંકી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ આ સફળ પરિણામ સાથે રંગ લાવી છે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગની આ સંયુક્ત મહેનત જિલ્લાને સંપૂર્ણ સાક્ષરતા તરફ લઈ જવામાં મહત્વનું પગલું સાબિત થઈ છે.

Related Posts