રાજ્યમાં વન વિકાસ માટે આજે પ્રથમવાર વિમોચન કરાયેલ ‘ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ’ મહત્વની ભૂમિકા ભજવશે. આ માટે રાજ્યમાં વિવિધ ૪૪૪ સ્થાન પરથી ત્રણ અલગ અલગ ઊંડાઈએથી ૧,૨૧૫ જેટલા માટીના નમૂના એકત્રિત કરીને તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. આ પૃથ્થકરણના માધ્યમથી આપણે આગામી સમયમાં ગુજરાતમાં વનોના વધુ વિકાસ માટે ઈચ્છિત પરિણામ મેળવી શકીશું તેમ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ગાંધીનગરથી જણાવ્યું હતું.
રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગર ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ગુજરાતના વિવિધ ૨૮ ટેરિટરી ડિવિઝનમાં જોધપુર સ્થિત આઇ.સી.એફ.આર.ઈ- શુષ્ક વન અનુસંધાન સંસ્થાનના ઉપક્રમે ‘વન મૃદા આરોગ્ય પત્ર’ – ‘ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.
વન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજથી ૨૦ વર્ષ પહેલા ગુજરાતમાં વર્ષ ૨૦૦૫માં આયોજિત કૃષિ મહોત્સવમાં પ્રથમવાર કૃષિ પાક માટે જમીનની ગુણવત્તા ચકાસવાના હેતુ સાથે સોઇલ હેલ્થ કાર્ડનો વિચાર આપ્યો હતો. કૃષિ જમીનો માટેની “સોઇલ હેલ્થ કાર્ડ યોજના” કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત છે, જેનો પ્રારંભ વડાપ્રધાનશ્રીએ તા. ૧૯ ફેબ્રુઆરી-૨૦૧૫ના રોજ કર્યો હતો. કૃષિ પાકમાં વધુ પડતી રાસાયણિક અને દવાઓનો ઉપયોગથી જમીન પ્રદૂષણથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવવા માટે સોઇલ હેલ્થ કાર્ડ અમલી બનાવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જમીનની ગુણવત્તા ચકાસીને તે મુજબની સારવાર કરીને પાક ઉત્પાદન લેવામાં આવે છે. રાજ્યમાં ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડના વિમોચનથી ગુજરાતમાં વનોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારા આવશે.
તેમણે કહ્યું હતું કે, સહકાર મંત્રાલય દ્વારા APMCમાં આ પ્રકારના જમીન પરીક્ષણ અંગે વિશેષ લેબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેના થકી સારા પરિણામ મળી રહ્યા છે. હાલમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં મેદાન ધરાવતી ૪૧,૦૦૦ શાળાઓમાં ‘એક પેડ માં કે નામ ૨.૦’ અંતર્ગત ૩૮ લાખ વૃક્ષો વાવવાનો આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
વન વિભાગ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરવામાં આવતા વૃક્ષારોપણ બાદ તેમાંથી ૮૦ થી ૯૦ ટકા વૃક્ષો જીવંત રાખવા એ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે તેવો મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ સૌ અધિકારીઓને અનુરોધ કરીને ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. એ.પી.સિંઘે સૌને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના કેમ્પા ફંડ અંતર્ગત ગુજરાત, રાજસ્થાન અને દાદરા નગર હવેલીમાં ત્રણ વર્ષથી ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ પ્રોજેક્ટ કાર્યરત હતો જે આજે ગુજરાતમાંથી પૂર્ણ થયો છે. આ કાર્ડના માધ્યમથી વિવિધ ત્રણ પ્રકારની માટીના નમૂના લઈને તેની ઉપર જરૂરી પરીક્ષણ કરવામાં આવ્યા છે. જેના દ્વારા કયા વિસ્તારની માટીમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, સોડિયમ જેવા તત્વો કેટલા પ્રમાણમાં રહેલા છે તેની માહિતી મેળવી શકાશે. વિવિધ પ્લોટની માટી લઈને તેના પર સંશોધન કરવાથી તેની ગુણવત્તા ચકાસી શકાશે.
તેમણે ધોલેરા ખાતે વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ મિયાવાકી વનનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે, આ વિસ્તારની માટી લઈને કેવા પ્રકારની વૃક્ષ પ્રજાતિઓ ઉછેરી શકાય તેના પર વિવિધ પરીક્ષણ કરવાથી તેમાં સારી એવી સફળતા મળી છે. આ ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડના માધ્યમથી આપણે વધુ સમૃદ્ધ અને ટકાઉ વનોનું નિર્માણ કરી શકીશું.
આ વ્યાપક વિશ્લેષણના આધારે ગુજરાતના ૨૮ ભૂમિસંબંધિત વન વિભાગો માટે ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અરવલ્લી, બારીયા, ભરુચ, ભાવનગર, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ગાંધીનગર, ગિર ઈસ્ટ ધારી, ગિર વેસ્ટ ધારી, ગોધરા, જામનગર, જુનાગઢ, કચ્છ-પૂર્વ, કચ્છ-પશ્ચિમ, મહિસાગર, મોરબી, નર્મદા, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, ડાંગ-ઉત્તર, ડાંગ-દક્ષિણ, વલસાડ-ઉત્તર, વલસાડ-દક્ષિણ અને વ્યારા-તાપીનો સમાવેશ થાય છે તેમ, ડૉ. સિંઘે ઉમેર્યું હતું.
જોધપુર સ્થિત આઇ.સી.એફ.આર.ઈ- શુષ્ક વન અનુસંધાન સંસ્થાનના ડાયરેક્ટર ડૉ. આશુતોષ ત્રિપાઠીએ પ્રોજેક્ટની વિગતો આપતા કહ્યું હતું કે, કૃષિ જમીનો માટેની “સોઇલ હેલ્થ કાર્ડ યોજના”નો ભારત સરકાર દ્વારા ૨૦૧૫માં પ્રારંભ કરાયો હતો. પરંતુ, આ યોજનામાં ભારતના વનવિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તેથી, દેશમાં “ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ” તૈયાર કરવાની પહેલ કરાઈ છે. અરિડ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (AFRI), જોધપુર – જે ભારત સરકારના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય હેઠળનું સંસ્થા છે (ICFRE, દેહરાદૂન) – દ્વારા છેલ્લા પાંચ વર્ષોમાં વ્યાપક વૈજ્ઞાનિક સંશોધન અને જમીન વિશ્લેષણ દ્વારા ગુજરાત રાજ્યના તમામ ૨૮ ભૂમિસંબંધિત વન વિભાગો માટે વન જમીન આરોગ્ય કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જે અનોખી પહેલ છે.
આ પ્રસંગે તાલીમના APCCF શ્રી એસ.કે.શ્રી વાસ્તવે શાબ્દિક સ્વાગત કર્યું હતું.
અરિડ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (AFRI), જોધપુર દ્વારા વન વિભાગના અધિકારીઓ માટે ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડ અંગે એક દિવસીય વર્કશોપ અને તાલીમ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણના PCCF શ્રી આર.કે. સુગુર, વન્યજીવ PCCF શ્રી જયપાલ સિંહ, APCCF શ્રી સી.કે સોનવણે સહિત વન વિભાગના DCF, ACF અને RFO ઉપસ્થિત રહ્યા હતા.
સર્વભારતીય સંકલિત સંશોધન પ્રોજેક્ટ વિષે :
CAMPA (Compensatory Afforestation Fund Management and Planning Authority) દ્વારા અનુદાનિત પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના વન વિસ્તારોમાંથી કુલ ૪૪૪ સ્થળોથી જમીનના નમૂનાઓ ત્રણ અલગ ઊંડાઈથી એકત્રિત કરવામાં આવ્યા. કુલ ૧૨૧૫ જમીન નમૂનાઓ લેવામાં આવ્યા અને દરેક નમૂનાનું ૧૨ મહત્વપૂર્ણ પરિમાણો માટે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં pH, EC, સજીવ કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર, ઝીંક, બોરોન, આયર્ન, મેંગેનીઝ અને કોપરનો સમાવેશ થાય છે.
ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું મહત્વ
• વન જમીન આરોગ્ય કાર્ડ વનસ્પતિ અને જમીનની ગુણવત્તા પરિમાણો વચ્ચેના સંબંધ વિશે માહિતી પૂરી પાડશે, જે રાજ્ય વન વિભાગો (SFDs) માટે વનોના ટકાઉ સંચાલન માટે ઉપયોગી સાબિત થશે. તે સાથે જ વૃક્ષારોપણકારોને યોગ્ય સ્થળ પસંદ કરવામાં મદદરૂપ થશે અને અંતે તેનો લાભ ગ્રામજનો સુધી પહોંચશે.
• જમીન આરોગ્ય કાર્ડ વિસ્તારોમાં જમીન સંબંધિત અવરોધો ઓળખવામાં ખૂબ જ ઉપયોગી થશે.
• વિભાગ સ્તરે વન વિભાગને કસ્ટમાઇઝ માહિતી પૂરી પાડવાથી વન જમીનોનું સારું સંચાલન શક્ય બનશે.
• વન વિભાગની જમીનમાં કયા પોષક તત્વોની અછત છે અને કયા ખાતરોની જરૂર છે તે અંગે યોગ્ય સમજણ જમીન આરોગ્ય કાર્ડ દ્વારા મળી શકશે


















Recent Comments