જામનગરના બ્રાસપાર્ટના કારખાનેદાર સાથે રૃા.૨૧.૯૧ લાખની ઠગાઇ આચરવામાં આવી

જામનગરના વધુ એક બ્રાસપાર્ટના વેપારી છેતરપિંડીનો શિકાર બન્યા છે, અને હરિયાણાની એક મહિલા કારખાનેદારે કટકે કટકે રૃપિયા ૨૧.૯૧ લાખનો બ્રાસપાર્ટ નો માલ સામાન ખરીદ કર્યા પછી તેના પૈસા નહીં ચૂકવી હાથ ખંખેરી લેતાં મહિલા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮માં રહેતા અને ઉદ્યોગ નગરમાં બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા ભાવિનભાઈ રમેશભાઈ મંગે નામના ભાનુશાલી વેપારીએ હરિયાણા રાજ્યના ફરીદાબાદ ની વતની મંજુબેન વિવેકભાઈ પાંડે સામે રૃપિયા ૨૧,૯૧,૧૮૦ની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસમાં જાહેર કર્યા અનુસાર ફરિયાદી ભાવિનભાઈ ૨૦૦૬થી આરોપી મહિલા મંજુબેન પાંડે કે જેઓ હરિયાણામાં દુર્ગા એન્જિનિયરિંગ નામનું કારખાનું ચલાવે છે. તેની સાથે માલસામાનની ખરીદ વેચાણ કરતા હતા. જે લાંબા સમયના પરિચય બાદ સને ૨૦૧૫ થી ૨૦૨૦ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કટકે કટકે ૨૧.૯૧ લાખનો બ્રાસનો સામાન મોકલાવ્યો હતો. જેની રકમ માટે અનેક વખત માંગણી કરી હતી, પરંતુ મંજુબેન પાંડે પૈસા ચૂકવતા ન હતા, અને હરિયાણા રાજ્ય છોડીને હાલ ઉત્તર પ્રદેશના કાનપુરમાં રહેવા માટે ચાલી ગઈ હતી.આખરે આ મામલે સિટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એલ બી. જાડેજાએ ગુનો નોંધી તપાસ નો દોર ઉત્તર પ્રદેશ તરફ લંબાવ્યો છે.
Recent Comments