શહેરના વટવા GIDC માં એક ગરબા કાર્યક્રમનું આયોજન કરનારા એક આયોજકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની ઘટના બની હતી. અમદાવાદના હાથીજણ સર્કલ નજીક વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગેલેક્સી રાસ ગરબાનું આયોજન કરનાર એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના નવરાત્રિની નવમી રાત્રે બની હતી, જેના કારણે ગરબા કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવ્યો હતો. ગરબા આયોજકે વટવા GIDCમાં આવેલી ફેબ્રિકેશનની દુકાનમાં આપઘાત કરી હતી. ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, ત્યારે પોલીસે સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ આદરી છે.
આ ઘટના મામલે પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ વટવાના રહેવાસી મયંક પરમાર તરીકે થઈ છે. વટવા GIDCમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા પરમારની લાશ તેની દુકાનની અંદર લટકતી મળી આવી હતી. મૃતકે સ્યુસાઈડ નોટમાં ગરબા ટિકિટના વેચાણ અને વ્યક્તિગત લોનને કારણે નાણાકીય સંકડામણનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં મયંકે અમિત પંચાલ નામના વ્યક્તિ પાસેથી 10% વ્યાજે 10 દિવસ માટે 2 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને તેમને 2 કોરા ચેક પણ આપ્યા હતા અને આ કાર્યક્રમ માટે કોઈ એડવાન્સ ટિકિટ વેચી ન હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
વધુમાં વટવા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ‘મયંક અપરિણીત હતા અને તેમની 75 વર્ષીય માતા સાથે રહેતા હતા. ગરબા કાર્યક્રમમાં તેમનો કોઈ ભાગીદાર નહોતો અને તેમણે પહેલી વાર બધું જાતે જ ગોઠવ્યું હતું. તેમની પાસેથી મળેલી સ્યુસાઈડ નોટ સંભવિત નાણાકીય મુશ્કેલી સૂચવે છે. જોકે, આત્મહત્યા આર્થિક દબાણને કારણે કરી કે વ્યક્તિગત કારણોસર, તે દિશામાં પોલીસ તપાસ શરૂ છે.’
મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, ‘છેલ્લા ઘણાં દિવસોથી મયંક ચિંતામાં દેખાતો હતો, પરંતુ અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આવું પગલું ભરશે. બનાવને લઈને પોલીસ સંપૂર્ણ તપાસ કરે તેવી માગ છે.’
વટવા GIDC પોલીસે સ્યુસાઈડ નોટ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે, અને મૃતકના કોલ રેકોર્ડની પણ ચકાસણી કરી રહી છે. ઘટનાને લઈને પોલીસ મૃતકના પરિવાર અને નજીકના સાથીઓના નિવેદનો નોંધી રહી છે.


















Recent Comments