સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લીલીયા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) હેઠળ તા.૦૩.૦૨.૨૦૨૬ થી તા.૦૯.૦૨.૨૦૨૬ દરમિયાન સાત દિવસીય NSS વાર્ષિક વિશેષ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સેવા ભાવના, સામાજિક જવાબદારી, શિસ્ત, સંસ્કાર તથા રાષ્ટ્રનિર્માણના મૂલ્યો વિકસાવવાનો હતો.
ઉદ્ઘાટન પ્રસંગે લીલીયા સરકારી કોલેજના આચાર્ય શ્રી ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, NSS વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની બહાર જઈ સમાજને નજીકથી સમજવાની તક આપે છે. સેવા દ્વારા વ્યક્તિત્વ વિકાસ શક્ય બને છે.” તેમણે વિદ્યાર્થીઓને સમાજહિત માટે સક્રિય રીતે જોડાવા પ્રેરણા આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગોઢાવદરના પૂર્વ સરપંચ શ્રી વિજયભાઈ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા.
શિબિર દરમ્યાન NSS સ્વયંસેવકો દ્વારા વિવિધ લોકહિતકારી અને જાગૃત્તિસભર પ્રવૃત્તિઓ યોજવામાં આવી. જેમાં ગ્રામ સફાઈ અભિયાન, શ્રમદાન, સ્વચ્છતા જાગૃતિ, વ્યસનમુક્તિ અભિયાન, આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ, યોગ અને શારીરિક તંદુરસ્તી સત્ર, પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, માર્ગ સુરક્ષા સલામતી તથા વિવિધ વ્યાખ્યાન સત્રો સમાવિષ્ટ છે.
શિબિર દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરી યોજીને શાંતિનો સંદેશ પ્રસારિત કર્યો હતો. તેમજ ગ્રામજનો સાથે સીધો સંપર્ક સાધી તેમની સમસ્યાઓને સમજવાનો અને સામૂહિક રીતે ઉકેલ માટે વિચારવિમર્શ કર્યો હતો. વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, ટીમ વર્ક, શિસ્ત, સમયપાલન અને સમાજ પ્રતિ સંવેદનશીલતા વિકસતી જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે, National Service Schemeની શરૂઆત ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૬૯માં પૂ. મહાત્મા ગાંધીજીના જન્મશતાબ્દી વર્ષ દરમિયાન કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને સમાજ સાથે જોડીને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભાગીદાર બનાવવાનો છે. NSSનું સૂત્ર “Not Me, But You” નિસ્વાર્થ સેવા અને ત્યાગની ભાવનાનું પ્રતીક છે, જે વિદ્યાર્થીઓને સમાજના હિત માટે કાર્ય કરવા પ્રેરિત કરે છે.
NSS વાર્ષિક વિશેષ શિબિર વિદ્યાર્થીઓ માટે જીવનમૂલ્ય, સેવાભાવ અને સામાજિક જવાબદારી ઉપરાંત શીખવાનો એક યાદગાર તથા પ્રેરણાદાયક અનુભવ સાબિત થયો હતો.
શિબિરના સમાપન પ્રસંગે ગોઢાવદર પ્રાથમિક શાળા આચાર્ય શ્રી વર્ષાબેન જોષી, દાતા શ્રી લાલજીભાઈ ભુવા, સુરેશભાઈ ગજેરા, NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉ. વિરાજબેન રાઠોડ સહિતના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.




















Recent Comments