અમરેલી

સાવરકુંડલામાં તંત્રની ઘોર બેદરકારી: ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખી પ્રજાના પૈસાનો આંધળો વેડફાટ!

દિવસના તેજમાં પણ 

શું આ નગર અંધાર જેવું છે? 

અહીં તંત્ર જ સ્યંમ પ્રજાના                       પૈસાનું વેડફાટ જેવું છે.

​નિયમ કુદરતના નોખા છે ને                        માનવના અલગ નોખા હશે? 

કે સૂરજ હોવા છતાં લાઈટ થવું,                     કસમયના વાયરા જેવું છે.!! 

–“પાંધી સર”

સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને મિસમેનેજમેન્ટનો એક અદભૂત નમૂનો સાવરકુંડલા શહેરમાં જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે જ્યારે ઉર્જા બચતની વાતો થતી હોય, ત્યારે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પ્રજાના ટેક્સના પૈસાનો સરેઆમ ધુમાડો કરવામાં આવી રહ્યો છે. કસમયે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટોને કારણે સ્થાનિક જનતામાં ભારે નારાજગી વ્યાપી છે.

​સાંજનો સૂર્ય આથમ્યો નહોતો ને લાઈટો થઈ ગઈ શરૂ

ગઈકાલે સાંજે હજુ ૬:૪૫ વાગ્યાનો સમય હતો અને સૂરજના ત્રાંબા જેવા કિરણો સાવરકુંડલાની ધરાને પ્રકાશિત કરી રહ્યા હતા. સૂર્યાસ્તને હજુ વાર હતી તેવા સમયે જ નગરપાલિકાના વ્યાયામમંદિરથી નેસડી રોડ સુધીની તમામ સ્ટ્રીટ લાઈટો અચાનક ઝગમગી ઉઠી હતી! કુદરતી અજવાળું પર્યાપ્ત માત્રામાં હોવા છતાં, તંત્રએ એડવાન્સમાં પ્રકાશ ફેલાવવાની કુચેષ્ટા કરી હતી. સૂર્યપ્રકાશ અને સ્ટ્રીટ લાઈટના આ અણછાજતા સંગમથી લોકોમાં આશ્ચર્ય અને આક્રોશ ફેલાયો હતો. આ દ્રશ્ય જોઈને લોકોને હિન્દી ફિલ્મનું ગીત ‘બતિયાઁ બૂઝા દો…’ યાદ આવી ગયું હતું. હાથસણી રોડ પર સૂર્યોદય પછી પણ લાઈટો ચાલુ

આ મિસમેનેજમેન્ટ માત્ર સાંજ પૂરતું સીમિત નથી. સવારે પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. વહેલી સવારે ૬:૨૫ વાગ્યે જ્યારે સંપૂર્ણ સૂર્યોદય થઈ ચૂક્યો હોય છે અને ચારેય તરફ ઉજાસ ફેલાઈ ગયો હોય છે, ત્યારે પણ હાથસણી રોડ પર સ્ટ્રીટ લાઈટો ચાલુ જ જોવા મળે છે! જ્યારે બંધ રાખવાની જરૂર હોય ત્યારે ચાલુ અને જ્યારે બંધ કરવાની જરૂર હોય ત્યારે પણ ચાલુ – આ તે કેવું વહીવટી તંત્ર?

​અધિકારીઓ ઊંઘતા ઝડપાયા, પ્રમુખને કરાઈ જાણ

આ ગંભીર આર્થિક વેડફાટ અંગે જ્યારે સાવરકુંડલાના એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો, ત્યારે હંમેશની જેમ તેમનો ‘નો રિપ્લાય’ આવ્યો હતો.જો કે આજે ફોન કરતાં આ સૂચનને ચીફ ઓફિસર દ્વારા ધ્યાન પર લઈને યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી. તેણે વધુમાં ઉમેરલ કે આ સ્ટ્રીટ લાઈટના ટાઈમર ગોઠવેલ હોય છે અને તેમાં અડધી કલાકનું વેરીએશન આવે છે. આ સંદર્ભે આ બાબતની નોંધ લઈને યોગ્ય ફેરફાર કરવા તૈયારી દર્શાવી હતી. આ સંદર્ભ નગરપાલિકાના પ્રમુખને ફોન કરીને આ બાબતે કડક શબ્દોમાં રજૂઆત કરવામાં આવી હતી  કે આ પ્રજાના પૈસાનો નિરર્થક વેડફાટ તાત્કાલિક બંધ થવો જોઈએ.

​ગાંધીજીના સિદ્ધાંતોને યાદ કરવાનો સમય પાકી ગયો છે

આજની વૈશ્વિક ડામાડોળ પરિસ્થિતિમાં સરકારી સંપત્તિનો સંયમપૂર્વક ઉપયોગ કરવો એ દરેક નાગરિક અને તંત્રની ફરજ છે. મોટી વાતો કરવાના બદલે આવી નાની-નાની બાબતોમાં ચોકસાઈ રાખવી અનિવાર્ય છે. જો તંત્ર હજુ પણ ગાંધીજીના અપરિગ્રહ અને સાદગીના સિદ્ધાંતોને નહીં અનુસરે અને આ મિસમેનેજમેન્ટ બંધ નહીં કરે, તો આગામી દિવસોમાં સાવરકુંડલાની જનતાએ આના માઠા પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે..

Related Posts