યમુનાજીના ચરણોમાં ઝૂકી આખી એ નગરી સાવરકુંડલાની,
વાજતે-ગાજતે લાવી ચુંદડી, ભક્તિ છલકાઈ વૈષ્ણવના ઉરની.
રાસ, ગરબા ને ધોળની રમઝટે જાગી વ્રજની એ માયા અનોખી,
લીધો પ્રસાદ ને દર્શનનો લ્હાવો,
કૃપા વરસી આજે શ્રીજી ચરણની.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ, સાવરકુંડલા ખાતે અધિક જેઠ સુદ છઠ્ઠના પવિત્ર અવસરે શ્રી યમુના છઠ્ઠ ઉત્સવની ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર શ્રી ગોપી મંડળ દ્વારા આ સમગ્ર આયોજન અદભુત રીતે કરવામાં આવ્યું હતું.
ઉત્સવની શરૂઆતમાં સવારે શ્રી યમુનાજીના ચુંદડી મનોરથ અને લોટીજીના સામૈયા વાજતે-ગાજતે અને ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે કાઢવામાં આવ્યા હતા, જેને સર્વ વૈષ્ણવો ભક્તિભાવપૂર્વક શ્રી મહાપ્રભુજીની બેઠકજીએ પધરાવ્યા હતા. પધારેલા તમામ વૈષ્ણવ ભાઈ-બહેનોને ઠંડા શરબતનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળની બહેનોએ પરમ ભાવપૂર્વક શ્રી યમુનાષ્ટકના પાઠ કર્યા હતા તેમજ રાસ, ધોળ અને ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. ત્યારબાદ આરતી દર્શન કરી ઉપસ્થિત તમામ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
સાંજના સત્રમાં ફરી એકવાર વૈષ્ણવો માટે કલેવા (અલ્પાહાર) તથા આઈસ્ક્રીમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી યમુના મહારાણીની આરતીના દિવ્ય દર્શન તથા શ્રી ગોવર્ધનનાથજી પ્રભુના અને શ્રી મહાપ્રભુજીના બંગલા દર્શનનો મનોરથ યોજાયો હતો, જેનો વૈષ્ણવોએ દિવ્ય આનંદ માણ્યો હતો. અંતમાં, તમામ ગોપીજનોએ અતિ ઉત્સાહભેર લોટીજી તથા ચુંદડી પધરાવીને વિદાય લીધી હતી.
આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે શ્રી ગોપી મંડળની તમામ બહેનોએ અદભુત જહેમત ઉઠાવી હતી, તેમજ શ્રી મહાપ્રભુજી બેઠકજી કમિટીના ભાઈઓ તરફથી પણ સંપૂર્ણ અને પ્રશંસનીય સહકાર સાંપડ્યો હતો. ઉત્સવના અંતે શ્રી ગોપી મંડળના સંચાલિકા શ્રી શિલ્પાબેન ચંદારાણાએ તમામ સહયોગીઓ અને વૈષ્ણવ જનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, તેમ એક યાદીમાં જણાવાયું છે


















Recent Comments