ગુજરાત

ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, વધુ 6 આરોપી ઝડપાયા

ગુજરાતમાં સાયબર ક્રાઇમની વધતી જતી ઘટનાઓ વચ્ચે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે એક મોટી સફળતા મેળવી છે. દુબઈ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમથી આચરવામાં આવેલા અને દેશભરના નાગરિકો સાથે સંકળાયેલા આશરે રૂપિયા 804 કરોડના 1549 સાયબર ગુનાઓના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તાજેતરમાં વધુ 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

સાયબર સેલની તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનાહિત કાવતરામાં સંડોવાયેલા આરોપીઓ છેલ્લા એક વર્ષથી સક્રિય હતા. આર્થિક રીતે સદ્ધર થવાના ઇરાદે, તેઓ પોતાની ઓળખ છતી ન થાય તે માટે ભારતના વિવિધ રાજ્યોના લોકોને લોભ-લાલચ આપીને મોટી સંખ્યામાં નવા બેંક એકાઉન્ટ્સ ખોલાવતા હતા. આ એકાઉન્ટની કિટ્સ અને તેમાં રજિસ્ટર્ડ સીમકાર્ડ્સ મેળવીને મુખ્ય સૂત્રધાર આરોપી આમીર અલ્તાફ હાલાણીને દુબઇ ખાતે મોકલવામાં આવતા હતા.દુબઈથી મુખ્ય સૂત્રધાર આમીર હાલાણી અને તેના સાગરીતો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને દેશના જુદા-જુદા ભાગોમાં ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ-ટાઇમ જોબ ફ્રોડ સહિત અનેક મોડસ ઓપરેન્ડી દ્વારા લોકોને ઠગતા હતા. છેતરપિંડીથી મેળવેલા નાણાં આરોપીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા આ ભાડૂતી બેંક એકાઉન્ટ્સમાં જમા થતા હતા અને ત્યારબાદ તેને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને અથવા રોકડમાં વિડ્રો કરીને સગેવગે કરવામાં આવતા હતા.તાજેતરમાં ઝડપાયેલા 6 આરોપીઓ પૈકી મુખ્ય ત્રણ આરોપીઓ સાઝેબ ખેરાણી, સોહિલ વઢવાણીયા અને અમીનભાઇ ભાયાણીએ નાણાં સગેવગે કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ત્રણેય આરોપીઓએ ભંગારના ધંધાની આડમાં મુખ્ય સૂત્રધાર આમીરના માણસો પાસેથી સાયબર ફ્રોડના નાણાં રોકડમાં મેળવીને સગેવગે કરવામાં મદદ કરી હતી. તેમણે આશરે રૂપિયા 20 કરોડથી વધુની કિંમતનો 200થી વધુ ટ્રક ભંગારનો માલ મોકલ્યો હોવાનો દેખાડો કર્યો હતો. પુરાવાનો નાશ કરવા માટે આરોપી સાઝેબ ખેરાણીએ પોતાનો મોબાઇલ ફોન પણ ફેંકી દીધો હતો.આ રેકેટમાં અન્ય બે આરોપીઓ, કમલેશ સેન અને સાગર સેન, કમિશનના બદલામાં મુખ્ય સૂત્રધાર આમીર હાલાણીને કુલ 270 જેટલા બેંક ખાતાઓ અને 300 જેટલા સીમકાર્ડ્સ પહોંચાડતા હતા. આ કામગીરી માટે તેઓ સીમ કાર્ડ દીઠ રૂપિયા 1000 અને બેંક કિટ દીઠ માતબર રકમ રૂપિયા 50,000નું કમિશન મેળવતા હતા.

છઠ્ઠો આરોપી રાહુલકુમાર અગ્રવાલ પેમેન્ટ પ્રોસેસર તરીકે ભૂમિકા ભજવતો હતો. તે ફ્રોડથી જમા થયેલા નાણાંના એકાઉન્ટનો એક્સેસ મેળવીને રકમ વિડ્રો કરાવતો હતો અને મુખ્ય આરોપીના કહેવાથી અન્ય સહઆરોપીઓને 1% કમિશન લઈને આ નાણાં આંગડિયા મારફતે મોકલી આપતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 6 નંગ મોબાઇલ ફોન કબજે કર્યા છે. આ પૂર્વે સુરત ખાતેથી 10 આરોપીઓની ધરપકડ થઈ હતી, જેથી કુલ 16 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.

Related Posts