અમરેલી

ઘરના ખુણેથી દેશના સીમાડા સુધી મહિલાઓની અગ્રીમ ભૂમિકા, સમાજની સૌ દીકરીઓ આપણા સૌનું ગૌરવ છે : રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

શક્તિ, સહનશીલતા, પ્રેમ-વાત્સલ્ય અને પ્રેરણાનો પર્યાય એટલે સ્ત્રી. માતા, બહેન,પત્ની,દીકરી, શિક્ષિકા કે નેતા – દરેક રૂપમાં સ્ત્રી સમાજને નવી દિશા આપે છે. સમગ્ર વિશ્વની તમામ મહિલાઓના સંઘર્ષ, આત્મસન્માન, તેમની મહેનત અને સફળતા અને તેમના અધિકારો,તેમની અસાધારણ સિદ્ધિઓ ઉપરાંત સમાજને સશક્ત બનાવવા માટે તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ-૨૦૨૬ની ઉજવણી હાથ ધરવામાં આવી છે. આ વર્ષની થીમ- “Give To Gain.”રાખવામાં આવી છે. જે “Rights,Justice,Action for all women and Girls” ના વિચારને આગળ ધપાવશે.

સંવાદ સેતુ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, ઘરના ખુણેથી લઈને દેશના સીમાડા સુધી મહિલાઓની અગ્રીમ ભૂમિકા રહી છે, સમાજની સૌ દીકરીઓ આપણા સૌનું ગૌરવ છે. દીકરી બે કુળની તારણહાર અને શક્તિ સ્વરૂપા છે. આજે દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાના સંઘર્ષથી સફળતાના શિખરે પહોંચી છે. રાજ્યમંત્રીશ્રીએ સૌ મહિલા કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. 

ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરી સ્થિત મહિલા કર્મી રેસ્ટ રૂમ, બાળકોની સંભાળ માટે-ઊર્જાકક્ષની મુલાકાત લીધી હતી. કાર્યક્રમ દરમિયાન વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫માં ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજયી બનેલ મહિલા ક્રિકેટ ટીમનું ટ્રોફી સાથે સન્માન કરવામાં આવ્યું હતુ. મહિલા કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની સેવાને ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર કાર્યક્રમું સંચાયલ અમરેલીના જાણીતા એજ્યુકેશનલ મેન્ટર અને મોટીવેશનલ સ્પીકર શ્રી કેવલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

મહિલા કર્મચારીઓ સાથે ‘સંવાદ સેતુ’ કાર્યક્રમમાં પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરી અધિક્ષક ઈજનેર શ્રી જે.એસ.દહિયા અને અન્ય અધિકારીશ્રીઓ, બહોળી સંખ્યામાં મહિલા કર્મચારીઓ સહભાગી બન્યા હતા.

Related Posts