અમરેલી

સાવરકુંડલામાં આંખની હોસ્પિટલ ખાતે પરંપરાગત પોષાકમાં સજ્જ કર્મકાંડી બ્રાહ્મણોએ બેટ-બોલ સાથે જમાવ્યું આકર્ષણ

સાવરકુંડલા શહેરમાં આજે એક અત્યંત અનોખી અને ગૌરવવંતી ઘટના જોવા મળી હતી. સામાન્ય રીતે મંત્રોચ્ચાર અને પૂજા-પાઠમાં વ્યસ્ત રહેતા કર્મકાંડી બ્રાહ્મણો આજે મેદાનમાં ક્રિકેટના સાધનો સાથે જોવા મળ્યા હતા. શહેરની આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડ પર પરંપરાગત બ્રહ્મ પોષાકમાં સજ્જ થઈને બ્રાહ્મણોએ ક્રિકેટ મેચ રમી એક નવી જ પહેલ કરી છે, જે હાલ સમગ્ર પંથકમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બની છે.

 આ મેચનું આયોજન પ. પૂ. કરસનગીરી બાપુ (કુંડલપુર હનુમાનજી) અને ઘનશ્યામબાપુ રામાનંદ છાત્રાલયની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ખાસ હાજરી આપી હતી. તેમણે માત્ર હાજરી જ ન આપી, પરંતુ મેદાનમાં ઉતરીને શુકનની બેટિંગ અને બોલિંગ કરીને ખેલાડીઓનો ઉત્સાહ બેવડાવ્યો હતો.જો કે સમયની વ્યસ્તતા વચ્ચે પણ આ કર્મકાંડી બ્રાહ્મણોની અનોખી પહેલને તેમણે સહર્ષ વધાવી હતી. સાથે સાથે ધારાસભ્યશ્રીએ બંને ટીમોને વિજયી ભવના આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ મેચની સૌથી મોટી વિશેષતા એ હતી કે તમામ ખેલાડીઓ પોતાના પરંપરાગત પોષાકમાં રમ્યા હતા. મેચ દરમિયાન સંસ્કૃત પ્રચુર ભાષામાં ગોલ્ડનદાદા દ્વારા કરવામાં આવેલી કોમેન્ટરીએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે અમિતભાઈ પંડ્યાએ હિન્દી અને ગુજરાતી ભાષામાં કોમેન્ટરીની કમાન સંભાળી હતી. ‘મહાદેવ ઈલેવન’ અને ‘પરશુરામ ઈલેવન’ વચ્ચે રમાયેલી આ મેચમાં રસાકસી જોવા મળી હતી. મહાદેવ ઈલેવન દ્વારા બેટિંગ અને પરશુરામ ઈલેવન દ્વારા ફિલ્ડિંગમાં જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

​અગ્રણીઓની ઉપસ્થિતિ અને આયોજન

આ ઐતિહાસિક મેચના સ્પોન્સર તરીકે કે. કે. જાની સાહેબ રહ્યા હતા. આ પ્રસંગે બ્રહ્મ સમાજના અગ્રણીઓ મુકેશભાઈ ત્રિવેદી, અમિતભાઈ પંડ્યા, હર્ષદભાઈ જોશી, કે. કે. જાની, તેરૈયા કાર્તિક, રતિભાઈ જોષી, જીગ્નેશ દાદા ભરાડ, મનન જાની તેમજ ક્ષત્રિય અગ્રણી પ્રવિણભાઈ કોટીલા અને પત્રકાર બિપીનભાઈ પાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ​મેચમાં ખેલાડી તરીકે ગોલ્ડનદાદા, હીરેનદાદા, દીપકદાદા, ચંદનદાદા, મેહૂલદાદા, જનકદાદા, જલાદાદા, પવનદાદા, તપન દવે, જયસુખદાદા, હાર્દિકદાદા, કૌશિકદાદા, રમેશ પંડ્યા, નિરવ બોરીસાગર, અજય ભાણો અને કિશન જોષીએ પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું.

​સાવરકુંડલા કર્મકાંડી બ્રાહ્મણોનું આગામી લક્ષ જિલ્લા કક્ષાનું આયોજન કરવાનું છે એમ અમિતભાઈ પંડ્યા દ્વારા એક સાક્ષાત્કારમાં જણાવવામાં આવેલ. સાવરકુંડલામાં થયેલી આ અનોખી પહેલને મળેલી સફળતા બાદ, હવે ટૂંક સમયમાં સમગ્ર અમરેલી જિલ્લાના કર્મકાંડી બ્રાહ્મણો માટે આવી જ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. શારીરિક તંદુરસ્તી અને સમાજમાં એકતાના સંદેશ સાથે આ મેચ સંપન્ન થઈ હતી.

એકંદરે અનોખી ભાત પાડતી આ કર્મકાંડી બ્રાહ્મણોની ક્રિકેટ મેચે સમગ્ર શહેરમાં ટોક ઓફ ધી ટાઉન રહી હતી

Related Posts