મહેસાણામાં ઘણા વર્ષોથી વસવાટ કરતા બંગાળી પરિવારો માટે દુર્ગા પૂજા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ એ તેમની સંસ્કૃતિ અને મૂળ સાથેનું જોડાણ છે. જિલ્લાના ચાઇના ગાર્ડન પાર્ટી પ્લોટમાં છેલ્લા ત્રણ વર્ષથી આ ભવ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન આવતી દુર્ગા અષ્ટમીના તહેવારે બંગાળી સમાજ પોતાનું પરંપરાગત ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો જીવંત કરે છે. માતા દુર્ગાએ રાક્ષસ મહીસાસુરનો સંહાર કર્યો તેની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં પાંચથી છ દિવસ સુધી પૂજા અર્ચના થાય છે અને દશેરાના દિવસે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
ગુજરાતી સમાજની પૂજા અને બંગાળી સમાજની પૂજામાં ઘણી અલગતાઓ જોવા મળે છે. સંદીપભાઈ મુખર્જી કે જે આ સમગ્ર આયોજનનું સંચાલન કરે છે તેઓ જણાવે છે કે”દુર્ગા પૂજામાં સમય અને તિથિનું ખાસ ધ્યાન રાખવું એ પૂજાનો મુખ્ય ભાગ છે. અગાઉ માતાજીને બલી ચડાવવામાં આવતી હતી પરંતુ હવે એ પ્રથા બંધ થઈ ગઈ છે. પૂજાની શરૂઆત પંચમીથી થાય છે અને પંજીકા નામની ખાસ ચોપડી અનુસાર તિથિ પ્રમાણે વિધિ કરવામાં આવે છે. તિથિ મુજબ દિવસ બદલાતા જ પૂજા શરૂ કરવાની હોવાથી ઘણી વાર સવારે ત્રણ-ચાર વાગ્યે પણ પૂજા શરૂ થતી હોય છે.”
આ વર્ષે દુર્ગામાની ભવ્ય મૂર્તિ અને પંડાલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મહેસાણા બંગાલી ફ્રેન્ડ્સ ગ્રુપ એસોસિએશન, જે સંદીપભાઈ મુખર્જી દ્વારા ચાર વર્ષ પહેલા સ્થાપિત થયું હતું, તેમના પ્રયત્નોથી 15 ફૂટ ઊંચી દુર્ગા માતાની મૂર્તિ બનાવી છે. અગાઉ આ મૂર્તિ અમદાવાદમાં બનતી હતી, પરંતુ આ વર્ષે સીધા કોલકાતા ના કારીગરોને મહેસાણા બોલાવીને અહીં જ મૂર્તિ તૈયાર કરાવવામાં આવી છે. માત્ર દુર્ગા માતા જ નહીં પરંતુ લક્ષ્મીજી, ગણેશજી, કાર્તિકેય ભગવાન અને સરસ્વતીજીની મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે, આ પ્રકારની ભવ્ય મૂર્તિ અને પંડાલ ઉત્તર ગુજરાતમાં પ્રથમ બનાવી છે.
આ ભવ્ય ઉજવણીમાં દરેક બંગાળી પરિવાર પોતાને માતાજીના પિયરમાં પરણેલી દીકરીની જેમ માનતો હોય છે. ગ્રુપની સભ્ય શ્વેતાબેન કોહલી જણાવે છે કે આ તહેવાર બંગાળીઓ માટે અત્યંત ભાવનાત્મક હોય છે. જેમ પરણેલી દીકરી દિવાળીમાં પિયરમાં આવે છે, તેવી જ રીતે માતાજીને પિયરમાં બોલાવવામાં આવે છે અને પૂજા કર્યા બાદ વિસર્જન કરવામાં આવે છે. આ પૂજામાં દરેક સ્ત્રી પોતાના અંદર દુર્ગા શક્તિનું અનુભવું કરે છે.
છેલ્લા સાત વર્ષથી મહેસાણામાં રહેતા સોબીગીરી જણાવે છે કે ઉત્તર ગુજરાતમાં આ પ્રકારનો પંડાલ પ્રથમવાર બનાવવામાં આવ્યો છે. આ માટે છ મહિના પહેલાંથી તૈયારી શરૂ થઈ ગઈ હતી. કોલકાતાના કારીગરોએ એકથી દોઢ મહિના દરમિયાન મૂર્તિ તૈયાર કરી છે. આ સાથે પૂજામાં પંડિત, ઢાક વગાડનારા કલાકારો, પ્રસાદ બનાવનારાઓ બધા જ લોકોને કોલકાતા પરથી બોલાવવામાં આવ્યા છે. આ વર્ષે બનાવેલો પંડાલ પણ કોલકાતાના પ્રખ્યાત દક્ષિણેશ્વર મંદિરની પ્રતિકૃતિ તરીકે તૈયાર થયો છે, જે લોકોને વિશેષ આકર્ષે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાંથી લોકો આ પંડાલ જોવા માટે આવી રહ્યા છે.
બંગાલી ફ્રેન્ડ્સ એસોસિએશનની શરૂઆત માત્ર બે-ત્રણ પરિવારોથી થઈ હતી, જ્યારે આજે અંદાજે અઢી સો જેટલા પરિવારો આ ગ્રુપ સાથે જોડાઈ ગયા છે. આ માત્ર એક ધાર્મિક ઉત્સવ જ નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રતિક છે. મહેસાણા જેવા શહેરમાં બંગાળી સમાજની આ અનોખી ઉજવણી એકતા અને વૈવિધ્યસભર ભારતીય સંસ્કૃતિનું જીવંત દ્રશ્યરૂપ બની રહી છે.



















Recent Comments