હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા વિસ્તારમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારેથી અતિ ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે. આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક નાગરિકોની વહારે આવતા સાવરકુંડલા-લીલીયાના કર્મનિષ્ઠ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પોતે મોરચો સંભાળી લીધો છે અને સમગ્ર વહીવટી તંત્રને ‘એલર્ટ મોડ’ પર મૂકી દીધું છે.
તમામ વિભાગોના અધિકારીઓ સાથે ઇમરજન્સી સમીક્ષા બેઠક
પરિસ્થિતિની ગંભીરતાને જોતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસ, પોલીસ તંત્ર, નગરપાલિકા, તાલુકા પંચાયત, આર.એન્ડ.બી. (R&B) અને સિંચાઈ વિભાગ સહિતની તમામ કચેરીઓના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા હતા. ધારાસભ્યશ્રીએ વહીવટી તંત્ર સાથે સતત મોનિટરિંગ કરીને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
’લોકોની સુરક્ષા એ જ આપણી પ્રથમ પ્રાથમિકતા’: ધારાસભ્ય
બેઠક દરમિયાન ધારાસભ્યશ્રીએ અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે:
”આપણી પ્રથમ પ્રાથમિકતા લોકોની સુરક્ષા છે. કોઈપણ પ્રકારની બેદરકારી સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષિત સ્થળે બદલી, પાણીના યોગ્ય નિકાલ અને જાનહાનિ અટકાવવા માટે તમામ સાવચેતીના પગલાં ત્વરિત ધોરણે લેવામાં આવે. તંત્રના તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ ૨૪ કલાક ખડેપગે રહીને નાગરિકોને જરૂરી મદદ પૂરી પાડવાની રહેશે.”
ધારાસભ્યશ્રીની સીધી દેખરેખ અને સતત માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં ઠેર-ઠેર રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલા અને લીલીયાના તમામ નગરજનોને પણ પૂરતી સાવચેતી રાખવા, સુરક્ષિત સ્થળોએ રહેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ કરી છે.


















Recent Comments