ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે આજે કચ્છ અને ઉત્તર ગુજરાતની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જોકે હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવનારા દિવસો માટે હવામાન વિભાગ દ્વારા વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ અને બનાસકાંઠામાં આજે રેડ એલર્ટ છે. તેમજ પાટણમાં પણ વરસાદને લઈ રેડ એલર્ટ અપાયુ છે. આગામી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં વરસાદની આજે કોઈ શક્યતા નથી. તથા આજે ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠાના વાવ થરાદ સુઈગામ વિસ્તારો બેટમાં ફેરવાયા છે. અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે. બનાસકાંઠા વહીવટી તંત્રની થરાદ ખાતે બેઠક મળી હતી. બેઠક બાદ જિલ્લા કલેક્ટર એસપી જિલ્લા વિકાસ અધિકારી સહિત તંત્રનો કાફલો વાવ જવા રવાના થયો છે. વાવ થરાદ હાઈવે બંધ થતા કલેકટર તેમજ તંત્રની ગાડીઓ સ્તામાં રોકવામાં આવી છે. વાવ થરાદ હાઇવે પાણીમા ગરકાવ થતા તંત્રનું જવું બન્યું મુશ્કેલ. જિલ્લા કલેકટર એસપી અને ડીડીઓએ પોતાની ગાડીઓ છોડી. રેઈનકોટ પહેરી કલેકટર, એસપી અને ડીડીઓ ખાનગી વાહનમાં વાવ જવા નીકળ્યા છે. હાઇવે ઉપર નાના વાહનો પસાર થઈ શકે તેવી પરિસ્થિતી નથી.
જિલ્લા કલેકટરના કહેવા મુજબ 12 ગામો સંપર્ક વિહોણા થયા છે. 289 ગામોમાં વીજળી ગુલ થઈ છે. જિલ્લામાં હાલ એક એનડીઆરએફ અને બે એસડીઆરએફની ટીમો મૂકવામાં આવી છે. અન્ય જિલ્લા માંથી NDRF અને SDRF ની અન્ય ટીમો મંગાવવામાં આવી છે. 13 ગામોમાં રસ્તા નો સંપર્ક તૂટી ગયો છે. વહીવટી તંત્રની પ્રાથમિક પ્રાયોરિટી છે કોઈપણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ફસાયો હોય તો તેનું રેસ્ક્યુ કરવાનું છે.
અમદાવાદના વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં છોડવામા આવેલા પાણીથી, ખેડાના રસિકપુરા ગામમાં તબાહી સર્જાઈ છે. સાબરમતી નદી કિનારે આવેલ રસિક પુરા ગામમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. આખુ રસિકપુરા ગામ પાણીમાં ડૂબ્યું છે. રસિકપુરા ગામના સામે આવેલા આકાશી નજારામાં, સાબરમતી નદીના પાણીએ વેરેલી તબાહી સ્પષ્ટ પણે જોઈ શકાય છે. જોકે તંત્ર દ્વારા ગામમાં ફૂડ પેકેટની કોઈ વ્યવસ્થા કરવામાં ના આવતા સ્થાનિક સરપંચે સુકા નાસ્તા તરીકે ચવાણું મંગાવી લોકોને તેના ફુડ પેકેટ બનાવીને વહેંચ્યા હતા.
ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા છે. રસિકપુર, પથાપુરા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગામમાં કમરસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. રોડ-રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડા-ધોળકા હાઈવે પર સાબરમતીના પાણી ફરી વળ્યા છે.
ખેડા ધોળકા હાઈવે પર કેડ સમા પાણી ફરી વળતા હાઈવે બ્લોક થયો છે. ખેડા-ધોળકા હાઈવે બ્લોક થતાં વાહનવ્યવહાર પણ થંભી ગયો છે. સાબરમતી નદીના પાણી રસિકપુરા, પથાપુરા, નાની કલોલી સહિતના ગામોમાં ફરી વળ્યા છે. ખેડાથી ધોળકા તરફના રાજ્ય ધોરીમાર્ગ રસીકપુરા પાસે પાણી ભરાતા રોડ બંધ કરવામાં આવ્યો છે. લોકો દ્વારા ગામના પશુ ધન હાઈવે પર બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં પથાપુરા ગામ જવાના રોડને બેરીકેટ્સ લગાવી બંધ કરવામાં આવ્યો છે. રસિકપુરા ગામના ભરવાડવાસમાં ઘરોમાં પાણી ભરાતા લોકોને મોટું નુકસાન થયું છે. ઢોરને ઘાસચારો નાખી શકાય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી નથી.લોકોના અનાજ પણ પલળી જતા ભારે હાલાકી પડી રહી છે, જેના કારણે ખાવા માટે બહારથી આવતી સહાય પર લોકો નિર્ભર છે.
બનાસકાંઠામાં આવેલા દાંતીવાડા ડેમમાં સતત વરસાદની અસર હેઠળ પાણીની આવક યથાવત છે. હાલમાં ડેમ 73.24 ટકા ભરાઈ ગયો છે અને તેની પાણીની સપાટી 594.29 ફૂટ પર પહોંચી છે. ડેમમાં હાલમાં 19,815 ક્યુસેક જળ પ્રવાહ નોંધાઈ રહ્યો છે. નોંધનીય છે કે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, એટલે કે હજુ પણ થોડી ખાલી જગ્યા બાકી છે, પરંતુ સતત આવક જોતા તંત્ર દ્વારા ચોકસાઈ રાખવામાં આવી રહી છે.
પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી, પરંતુ લોકો પાયલટની સમયસૂચકતાથી તે ટળી ગઈ. ગોધરા-આણંદ મેમુ ટ્રેન ચલાવતી વખતે ટીંબા રેલવે સ્ટેશન નજીક પાયલટે સમયસર ટ્રેન રોકી લીધી, કારણ કે ટ્રેક પર નુકસાન થયું હતું. બાદમાં ટ્રેક ઉપર મેટલના પુરાણનું કામ હાથ ધરવામાં આવ્યું અને ત્યારબાદ ટ્રેનને આગળ ચાલવા દેવામાં આવી. મુસાફરો મુજબ આ ઘટનાને પગલે ટ્રેન લગભગ એક કલાક સુધી મોડું થઈ હતી. પાયલટની તત્પરતા અને સચેતતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે.


















Recent Comments