અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી અને ઉર્જા,કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી, કૌશિકભાઈ વેકરીયાની ઉષ્માસભર ઉપસ્થિતિમાં અમરેલી મુકામે પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા-૨૦૨૫નો ઉત્સાહભેર શુભારંભ થયો હતો. શહેરની કે.કે પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય (નૂતન મીડલ સ્કૂલ) ખાતે સૌરાષ્ટ્રના ૦૮ જિલ્લા અને ૦૪ મહાનગરોના ૪,૦૦૦ જેટલા સ્પર્ધકોના સંગમથી કલા અને સંસ્કૃતિની સરવાણી થશે.
આ સ્પર્ધામાં રાજકોટ શહેર અને ગ્રામ્ય, ભાવનગર શહેર અને ગ્રામ્ય, જામનગર શહેર અને ગ્રામ્ય, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લા કક્ષાએ વિજેતા પામેલા સ્પર્ધકો વચ્ચે તા. ૦૬ થી ૦૮ ડિસેમ્બર દરમિયાન અલગ અલગ વયજૂથમાં ૩૦ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. સ્પર્ધામાં રાજ્ય અને દેશના વિવિધ વિસ્તારોના કલાત્કમ લોકનૃત્યો, સમૂહગત, અભિનય, લેખન, સંગીતના વિવિધ વાદ્યોના વાદન સાથે વકૃત્વની કળા પ્રસ્તુતિ અને અભિનયના ઓજસ પથરાશે.
આ સ્પર્ધામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને કલાકારોની કલાત્મક કૃતિઓને રાજ્યમંત્રીશ્રીએ નિહાળી અને તેમની કળાની બિરદાવી હતી. અમરેલીના યજમાનપદે યોજાઈ રહેલા પ્રદેશ કક્ષાના આ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલીની તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમારે રાજ્યમંત્રીશ્રીનો સ્વાગત સત્કાર કર્યો હતો. કાર્યક્રમમાં અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણી, મેહુલભાઈ ધોરાજીયા, મૌલિકભાઈ ઉપાધ્યાય, વિવિધ જિલ્લામાંથી આવેલા સ્પર્ધકો, શાળાના શિક્ષકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઈ જોશીએ કર્યું હતું.


















Recent Comments