અમરેલી

અમરેલી પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરી દ્વારા આયોજિત ‘વીજળી બચત’ જનજાગૃત્તિ રેલીનું પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

સમગ્ર રાજ્યમાં જનસમુદાયને વીજ સલામતી માટે માહિતી મળે ઉપરાંત સતર્કતા વધારવાના ઉમદા ઉદ્દેશ સાથે તા. ૦૮ ડિસેમ્બર થી તા. ૧૩ ડિસેમ્બર,૨૦૨૫ સુધી સલામતી સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવી છે.

આજરોજ રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી પી.જી.વી.સી.એલ (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.) વર્તુળ કચેરી દ્વારા આયોજિત ‘વીજળી બચત’ જનજાગૃત્તિ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.  ઉલ્લેખનીય છે કે, અમરેલીના સરદાર સર્કલથી હરિરામ બાપા ચોક સહિતના વિસ્તારોમાં ‘વીજળી બચત’ જનજાગૃત્તિ રેલીનું સફળ આયોજન હાથ ધરીને વીજળી બચત અને સતર્કતા મુદ્દે જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી.

સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત ગત તા. ૦૮ ડિસેમ્બરના રોજ અકસ્માત નિવારણ માટે નમુનારૂપ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દરેક દિવસની થીમ મુજબ અકસ્માત નિવારણ માટે ફીટર પરીક્ષણ અને સમારકામ, વિદ્યાર્થીઓમાં પણ જાગૃત્તિ વધે તે માટે ચિત્ર, નિબંધ અને વકૃત્વ સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહભેર વિવિધ શાળાના બાળકોએ ભાગ લીધો હતો.

અમરેલી ખાતે સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત ‘વીજળી બચત’ જનજાગૃત્તિ રેલીના માધ્યમથી અમરેલીના સ્થાનિક અગ્રણીશ્રીઓ, પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરીના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ઈજનેરશ્રીઓ, બહોળી સંખ્યામાં કર્મચારીશ્રીઓએ ભાગ લઈને “વીજ વિકાસનો પ્રાણ એની બચત એ જ કલ્યાણ” સહિતના સૂત્રોચ્ચાર સાથે જનજાગૃત્તિ પ્રસરાવી હતી.

Related Posts