આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસની નેમ અમરેલી ખાતે ભૂલકા મેળો યોજાયો
અમરેલી જિલ્લા પંચાયત, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ.ના સંયુક્ત ઉપક્રમે અમરેલી ખાતે ભૂલકા મેળો યોજાયો હતો. આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસની નેમ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડીના વિવિધ ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓની પ્રદર્શનીને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કે.જે. જાડેજાએ ખુલ્લી મૂકી હતી.
લાઠી-બાબરા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા અને મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ શાખાના ચેરમેન શ્રીમતિ નિતાબેન ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો અને પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરે જ્ઞાન સાથે ગમ્મત પીરસતી સાંસ્કૃતિક કલાકૃતિઓ પ્રસ્તુત કરી હતી.
ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કે.જે.જાડેજાએ કહ્યુ કે, આ ભૂલકા મેળાનો હેતુ બાળકોના સર્વાંગી વિકાસનો છે. દિવસના ૦૩ કલાક બાળકો એ તેના પરિવારથી દૂર આંગણવાડીએ આવે અને તેમનો આઈ.ક્યુ (ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ), ઈ.ક્યુ(ઈમોશનલ ક્વોશન્ટ) અને એસ.ક્યુ (સોશિયલ ક્વોશન્ટ) વિકસે અને તેમના સર્વાંગી વિકાસનો પાયો વધુ સારો થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવાનો છે.
વિવિધ કૃતિઓ બનાવનાર આંગણવાડીના કાર્યકર બહેનો અને બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રાંરંભે આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી દક્ષાબહેન ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યુ હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ પાથર, સભ્ય સર્વ શ્રી પ્રવિણભાઈ માંગરોળીયા, શ્રી અશ્વિનભાઈ કુંજડીયા, શ્રી નીતિનભાઈ રાઠોડ, શ્રી મુકેશભાઈ બગડા, મહિલા અને બાળવિકાસ સમિતિ સભ્યશ્રીઓ શ્રીમતિ ઈલાબેન માયાણી, શ્રીમતિ જ્યોત્સનાબહેન રાઠોડ, શ્રીમતિ અજવાળીબેન પડશાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પણ ચાવડા, સી.ડી.પી.ઓ.શ્રી સર્વ, આંગણવાડીના કર્મયોગીઓ, વાલીઓ અને ભૂલકાંઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments