પ્રાકૃતિક કૃષિ – ‘ખારાશવાળી જમીન સુધારવાનો ઉપાય પ્રાકૃતિક ખેતી’

અમરેલી જિલ્લા સહકારી સંઘ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાઇન્સ યુનિવર્સિટી અન્વયેની અમરેલી નેચરલ ફાર્મિંગ કોલેજ દ્વારા પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનનું આયોજન અમરેલીના માળીલા ગામ ખાતે કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લા સહકારી સંઘના અધક્ષ શ્રી મનિષભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૦૦ ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યું હતું. અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને અધ્યક્ષ શ્રી જયંતિભાઈ પાનસુરિયાએ જમીન અને જમીનના આરોગ્ય સુધારવા પ્રાકૃતિક ખેતી તરફ વળવા આગ્રહ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીના ફાર્મર માસ્ટર ટ્રેનર શ્રી મોહનભાઈ પંડિતે ખારાશવાળી જમીનમાં પ્રાકૃતિક ખેતીના તેમના પરિણામો અને ઉત્પાદનના પોતાના અનુભવો જણાવ્યા હતા.
કાર્યક્રમ અન્વયે અગાઉ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા માળીલા ગામમાંથી સોઇલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના ચકાસણીના પરિણામોને ધ્યાનમાં લેતા, અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્યશ્રી ડૉ. સ્વપ્નિલ દેશમુખે ખારાશ વાળી જમીનના કારણો તેમજ આવી જમીનને સુધારવાની પધ્ધતિઓ વિશે જણાવ્યુ હતુ. આ સમસ્યાનો એક ઉપાય પ્રાકૃતિક ખેતી છે. ખારાશવાળી જમીનને સુધારવા આચ્છાદન, મિશ્રપાક તેમજ મહદઅંશે જિપ્સમની ભલામણ કરી દરેક ખેડૂતને ઓછાંમાં ઓછી એક ગાય રાખવા તેમણે કહ્યુ.
અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષશ્રી મનિષભાઈ સંઘાણીએ, કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના બહોળા પ્રયાસો અને તેના લીધે થતી સકારાત્મક અસરો વિશે જણાવ્યુ હતુ. ગીર ગાયનું મહત્વ જણાવી ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં આગળ વધવા આગ્રહ કર્યો હતો.
કાર્યક્રમમાં જુનાગઢ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટિના કિટકશાસ્ત્રના વૈજ્ઞાનિક ડૉ. મયુરભાઈ કાનાણી, પ્રાકૃતિક ખેતીના ફાર્મર માસ્ટર ટ્રેનર શ્રી મોહનભાઈ પંડિત, માળીલા ગામના સરપંચ શ્રી દકુભાઈ ચોવટીયા અને ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદદનીશ પ્રાધ્યાપક શ્રી ભૌમિક મકવાણા, રિસોર્સ પર્સન શ્રી વિરાભાઈ ચાવડા, કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ટીમ અને સહકારી સંઘના મેનેજર શ્રી ભાર્ગવભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું, તેમ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments