ઉત્તર ગુજરાતના વહીવટી ઇતિહાસમાં આજે, ૨ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ એક નવો અધ્યાય ઉમેરાશે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને વાવ–થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે.
આ સાથે, ચાર નવા તાલુકાઓ—ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવશે, જેનાથી વહીવટી કાર્યક્ષમતા, વિકાસ યોજનાઓ અને નાગરિક સેવાઓ વધુ સુગમ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચશે.
બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોએ વર્ષોથી એકતા અને સમર્પણ સાથે વિકાસની સફર સાથે ખેડી છે. દરેક સંકટમાં એકબીજાને સાથ આપી, ખભે ખભો મિલાવી સંઘર્ષ કર્યો છે અને અનેક સફળતાઓને પરિવારની જેમ ઉજવી છે. નવા જિલ્લાની રચના એ નાગરીકો માટે વિભાજન નથી, પરંતુ વહીવટી સુગમતા અને સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ છે.
નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરીની સ્થાપના સાથે વાવ, થરાદ, સુઇગામ, ભાભર, રાહ, ધરણીધર, દિયોદર અને લાખણી તાલુકાના નાગરિકોને ઝડપી, પારદર્શક અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ વહીવટી સેવાઓ પ્રાપ્ત થશે. આ ઐતિહાસિક નિર્ણય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરદર્શી નેતૃત્વ અને ગુજરાત સરકારના અડગ સંકલ્પને કારણે શક્ય બન્યો છે. આ નિર્ણયથી આ વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે. ભલે વહીવટી સીમાઓ નવેસરથી નક્કી થઈ રહી હોય, પરંતુ બનાસકાંઠા અને વાવ–થરાદ જિલ્લાના નાગરિકો વચ્ચેની લાગણીઓ, સાંસ્કૃતિક એકતા અને સંયુક્ત સંઘર્ષની ભાવના હંમેશાં અખંડ રહેશે. આજથી વાવ–થરાદ જિલ્લો સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની શરૂઆત કરાશે તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા જિલ્લાના નાગરિકોને સંદેશ પાઠવવામાં આવ્યો છે



















Recent Comments