ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ અંતર્ગત સંચાલિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેન્કિંગ (FWWB) સંસ્થા સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યો હતો.
આ સમજૂતી કરાર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટીંબડિયા સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. આ MOU અંતર્ગત અમરેલી જિલ્લાના મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન, તાલીમ તેમજ તેમના ઉત્પાદનોનું મૂલ્યવર્ધન, યોગ્ય પેકેજિંગ, બ્રાન્ડિંગ અને ડાયરેક્ટ માર્કેટિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ પ્રસંગે મહિલા ખેડૂતો માટે ત્રણ દિવસીય “માર્કેટિંગ કૌશલ્ય વર્કશોપ”નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા અંગે વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન કુલપતિ ડૉ. સી. કે. ટીંબડિયા સાહેબે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર પરંપરાગત પદ્ધતિ નથી પરંતુ વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાયેલી એક સસ્ટેનેબલ ખેતી પદ્ધતિ છે. મહિલા ખેડૂતો જ્યારે પ્રાકૃતિક ખેતી સાથે માર્કેટિંગ કૌશલ્ય પણ વિકસાવે છે ત્યારે તેઓ કૃષિ ક્ષેત્રમાં નવી દિશા આપી શકે છે. FWWB સાથેનો આ સહયોગ મહિલા ખેડૂતોને સફળ કૃષિ ઉદ્યમી તરીકે વિકસવામાં મદદરૂપ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.
કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્યશ્રી, ડૉ. એસ. પી. દેશમુખના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે વ્યવસાયિક દૃષ્ટિકોણ વિકસાવવામાં ઉપયોગી સાબિત થશે. આ કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રગતિશીલ મહિલા ખેડૂત બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments