હજારો ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી; ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયા પણ ગરબાના રંગે રંગાયા
સાવરકુંડલા : સાંસ્કૃતિક વારસાના જતન અને પરંપરાગત રાસ-ગરબાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના આયોજન હેઠળ ભવ્ય ‘પીળા પતંગિયા શરદોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શરદોત્સવમાં હજારો ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લઈ પરંપરાગત રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. આધુનિક ટેકનોલોજી અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમના ઉપયોગે આ આયોજનને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું.
આ શરદોત્સવની વિશેષતા એ હતી કે તેનું આયોજન બીમાર ગાયોની સારવારના લાભાર્થે કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક પરંપરાના જતન સાથે જીવદયાના ઉમદા કાર્યને જોડતા આ આયોજનને ઉપસ્થિત લોકોએ આવકાર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે રાજ્યના ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા તથા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
શરદોત્સવ દરમિયાન ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પણ ગરબાના રંગે રંગાયા હતા. ઊર્જામંત્રીએ ખેલૈયાઓ સાથે મન મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. મહાનુભાવો ગરબે ઘૂમતા જોઈને ઉપસ્થિત ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ છવાયો હતો. ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શરદોત્સવને વધાવ્યો હતો.
પરંપરાગત સંસ્કૃતિ, આધુનિક આયોજન અને જીવદયાના ઉમદા સંદેશના સમન્વયથી યોજાયેલા આ ભવ્ય શરદોત્સવે સાવરકુંડલામાં ઉત્સવમય માહોલ સર્જ્યો હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે