અમરેલી

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિએ ‘અંત્યોદય’ના વિચારને સાર્થક કરવા ઉઠી માંગ

ગતરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેરના નાગરિકો દ્વારા તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેરના રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પંડિતજીના ‘એકાત્મ માનવવાદ’ના સિદ્ધાંતોને યાદ કર્યા હતા. જોકે, આ શ્રદ્ધાંજલિની સાથે જ શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં એક મહત્વની માંગણીએ જોર પકડ્યું છે કે શું પંડિતજીના નામે બનેલા બગીચામાં ગરીબોને પ્રવેશ માટે પણ સંઘર્ષ કરવો પડશે?

​શહેરની મધ્યમાં મહુવા રોડ પર આવેલ ‘પંડિત દીનદયાળ  ઉપવન’ (જનતા બાગ) ખાતે હાલમાં પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયા પ્રવેશ ફી વસૂલવામાં આવે છે. કાળઝાળ મોંઘવારીમાં સામાન્ય શ્રમિક વર્ગ અને વંચિત પરિવારો માટે પોતાના બાળકો સાથે અહીં આવવું આર્થિક રીતે કપરૂ બની રહ્યું છે. સ્થાનિકોનું માનવું છે કે જે પંડિતજીએ સમાજના છેવાડાના માણસ (અંત્યોદય) ના ઉત્થાનની વાત કરી હતી, તેમના જ નામના ઉપવનમાં આ આર્થિક અવરોધ અંત્યોદયની વિભાવનાની વિરુદ્ધ છે.

​ગ્રાઉન્ડ ઝીરો પર વરિષ્ઠ પત્રકારનું નિરીક્ષણ. 

​વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી દ્વારા લેવામાં આવેલી ગ્રાઉન્ડ લેવલની મુલાકાત દરમિયાન અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. 

​ બગીચામાં અંદાજે ૨૦ જેટલી લાઈટો બંધ હાલતમાં છે, જે સુરક્ષા સામે પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કરે છે. વોકિંગ પાથની આસપાસ બિનજરૂરી ઘાસ ખૂબ જ મોટું થઈ ગયું છે, જેના કારણે જીવજંતુ કરડવાનો ભય રહે છે.

​ પીવાના પાણીની અછત, શૌચાલયની ગંદકી અને ક્ષતિગ્રસ્ત વ્યાયામના સાધનો તંત્રની ઉદાસીનતા છતી કરે છે.

​ ધારાસભ્ય દ્વારા મુકવામાં આવેલા બાંકડા (બેન્ચ) બેસવા માટે આરામદાયક ન હોવાની પણ રાવ ઉઠી છે.

​નગરપાલિકા પાસે નાગરિકોની મુખ્ય માંગણીઓ

​૧ બાળકો અને ગરીબ વર્ગ માટે પ્રવેશ ફી કાયમી ધોરણે માફ કરવામાં આવે. ૨. હાલના રાત્રિના ૮ વાગ્યા સુધીના સમયને વધારીને ૯ થી ૧૦ વાગ્યા સુધી કરવામાં આવે.

૩.  લોનને નિયમિત પાણી, ઘાસની તાત્કાલિક કાપણી અને શૌચાલયની યોગ્ય સફાઈ થાય.

૪.  બાળકોના મનોરંજનના અને કસરતના ક્ષતિગ્રસ્ત સાધનોનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે.

​આ બગીચામાં દરરોજ સવારે RSSની શાખા લાગે છે તેમજ શહેરના નામી તબીબો, વકીલો અને પ્રતિષ્ઠિત નાગરિકો વોકિંગ માટે આવે છે. ત્યારે તંત્ર આ બાબતે ગંભીરતા દાખવીને હકારાત્મક નિર્ણય લે તે સમયનો તકાજો છે. જો ગરીબોને અહીં વિનામૂલ્યે પ્રવેશ અને પૂરતી સુવિધા મળશે, તો જ પંડિતજીના આદર્શો સાચા અર્થમાં ચરિતાર્થ થશે.

બાગના નિભાવ અને મેઈન્ટેનન્સ માટે પૂરતી આર્થિક જોગવાઈ કરવામાં આવે. અને તંત્ર દ્વારા પૂરતાં પ્રમાણમાં સિક્યોરીટી સ્ટાફ ઉપલબ્ધ કરવામાં આવે અને સી. સી. ટીવી દ્વારા બાગનું ઓબઝર્વેશન કરવામાં આવે. સાવરકુંડલા શહેરને સુવર્ણ કુંડલામાં પરિવર્તિત કરવા માટે હવે સિર્ફ વાતો નહી પરંતુ યોગ્ય પગલાં દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે. 

Related Posts