અમરેલી

અમરેલીમાં તમાકુના વેચાણકર્તા સામે તંત્રની કાર્યવાહી : ૦૮કેસ નોંધી રુ.૧,૩૫૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો

અમરેલી, તા.૧૭ એપ્રિલ, ૨૦૨૫ (ગુરુવાર) રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ અન્વયે અમલવારી અને જનજાગૃત્તિ અર્થે જિલ્લા તમાકુ નિયંત્રણ સમિતિ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવે છે.

અમરેલી જિલ્લા તમાકુ નિયંત્રણ સમિતિ (એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ) દ્વારા અમરેલી શહેરમાં તમાકુ વિક્રેતાઓના સ્થળ પર જઇ તપાસ, દંડ અને વસૂલાત કરવામાં આવી હતી.

તમાકુનું વેચાણ કરતાં લારી-ગલ્લા પર તમાકુ વિતરણ અને તેના સેવનને લગતાં જોખમ બાબતે સૂચક બોર્ડ દર્શાવવામાં ન આવ્યા હોય, શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ, તમાકુની બનાવટોનું વેચાણ કરવું, જાહેર સ્થળોએ તમાકુની બનાવટોનું સેવન કરવું, ઇ-સિગારેટનું વેચાણ,સંગ્રહ કે તેના ઉપયોગ કરનાર, તમાકુની બનાવટોની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત આપવી, નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી વિના તમાકુની બનાવટોનું વેચાણ સહિતની બાબતોને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩માં સમાવેશ કરી નાગરિકોમાં તમાકુના ઉપયોગને ટાળવા જાગૃત્તિ લાવવામાં આવે છે.

જનજાગૃત્તિલક્ષી આ કાર્યક્રમ અન્વયે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલમાં સમાવિષ્ટ અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, પોલીસ, પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ, ખોરાક અને ઔષધ નિયમન સહિતની કચેરીઓના સંયુક્ત પ્રયાસથી અમરેલી શહેરના વિવિધ સ્થળોએ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ની વિવિધ કલમો હેઠળ હાથ ધરવામાં આવેલી આ કામગીરી અન્વયે અમરેલી શહેરના નાગનાથ બસ સ્ટેન્ડ, મોટા બસ સ્ટેન્ડ, લાઠી રોડ,  કૉલેજ સર્કલ, સ્ટેશન રોડ, વિસ્તારમાં ૦૮ કેસ થયા તે અન્વયે રુ.૧૩૫૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, તેમ અમરેલી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી અને તમાકુ નિયંત્રણ નોડલ ઓફિસરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts