અમરેલી

સાવરકુંડલાના વર્ષોથી ટાપુ બનેલા “પીપરડી” ગામને મળશે કાયમી રાહત, ચોમાસાના ભયમાંથી મુક્તિ તરફ: પીપરડી ગામ માટે ઐતિહાસિક નિર્ણય- ધારાસભ્ય કસવાલાનો દ્રઢ નિર્ધાર

સાવરકુંડલા તાલુકાનું પીપરડી ગામ વર્ષોથી ચોમાસું આવે એટલે ભયના સાયામાં જીવતું આવ્યું છે. ભારે વરસાદ
પડતા જ આખું ગામ ટાપુ બની જતું, સંપર્ક તૂટી જતો અને સામાન્ય જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત થઈ જતું.
ઇમરજન્સી સેવા બંધ, વાહન વ્યવહાર ઠપ્પ અને બીમાર દર્દીને હોસ્પિટલ પહોંચાડવું પણ અશક્ય બની જતું આ ગામ
માટે ચોમાસું વિકાસ નહીં પરંતુ દુઃખ અને ડરનું પર્યાય બની ગયું હતું.
આ વર્ષો દરમિયાન અનેક વખત જાનમાલ બચાવવા સરકારને રેસ્ક્યુ કામગીરી કરવી પડી છે.પૂર સમયે ઘરના
છાપરા ઉપર ઊભેલા પરિવારજનો,ખેતરોમાં ફસાયેલા લોકો અને ભયમાં જીવતો ગામ આ દ્રશ્યો પીપરડી માટે સામાન્ય
બની ગયા હતા. પરંતુ હવે આ અંધકારમય પરિસ્થિતિમાંથી કાયમી મુક્તિનો રસ્તો ખુલ્યો છે.
પીપરડી ગામની આ વર્ષોની પીડાને સમજીને સાવરકુંડલા ના માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ દ્રઢ
સંકલ્પ લીધો કે હવે ગામ કોઈ પણ સંજોગોમાં સંપર્કવિહોણું નહીં બને. તેમની દીર્ઘદ્રષ્ટિ, અડગ પ્રયાસો અને જનહિત
પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે પીપરડી–ભમોદ્રા વચ્ચે નવા માર્ગને મંજૂરી મળી છે. રાજ્ય સરકાર દ્વારા આ માર્ગ માટે
₹૮.૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
નવા માર્ગની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેમાં વચ્ચે એક પણ નદી કે નાળું નહીં આવે, જેથી ભવિષ્યમાં
ભારે વરસાદ હોવા છતાં પણ માર્ગ ચાલુ રહેશે. આ માર્ગ માત્ર રસ્તો નહીં પરંતુ પીપરડી ગામ માટે સુરક્ષા, સ્વાભિમાન
અને વિકાસનું પ્રતીક બનશે. વર્ષોથી ચાલી આવતી મોટી સમસ્યાનો અંત આવતો જોઈ ગામજનોએ ધારાસભ્ય
મહેશભાઈ કસવાલાની મહેનતને દિલથી આવકારી છે અને નવી આશા સાથે ઉજવણી કરી છે.

Related Posts