વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, દેશના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે ખેતી અને ખેડૂતોને લગતી કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓનું ઘડતર કરવામાં આવી રહ્યું છે. આ કડીના ભાગરુપે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ-૨૦૧૯માં એક મહત્વની યોજના ‘PM કિસાન સન્માન નિધિ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ યોજના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ખેતીવાડી વિભાગના માધ્યમથી યોજનાઓનો સહાયકીય લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં આ યોજનાના લાભ મેળવતા ખેડૂતો પૈકીના અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના મોટા ઉજળા ગામના ખેડુત શ્રી જયંતિભાઈ ચૌહાણ પણ છે.
મોટા ઉજળા ગામે તાજેતરમાં જ સંપન્ન થયેલા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના કાર્યક્રમમાં લાભાર્થીશ્રીએ એક વિશેષ વાતચીતમાં આ યોજના દ્વારા તેમને થયેલા ફાયદા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ૪૦ વર્ષીય શ્રી જયંતિભાઈ ચૌહાણ ‘PM કિસાન સન્માન નિધિ’ યોજનાની શરુઆતથી જ આ યોજના અંતર્ગત મળતી વાર્ષિક રુ.૬,૦૦૦ની સહાય મેળવી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે, મારે ખેતીલાયક ૧૮ વિઘા જમીન છે. શરુઆતથી જ હું આ યોજનાનો લાભ મેળવી રહ્યો છું. આ યોજના અંતર્ગત મળતા વર્ષના રુ.૨૦૦૦ના ત્રણ હપ્તાનો સદ્પયોગ ખેતી માટેના ઉપયોગી ખાતર અને બિયારણની ખરીદી માટે કરુ છું.
ઉલ્લેખનીય છે કે, શ્રી જયંતિભાઈ ચૌહાણને અત્યાર સુધીમાં ‘પી.એમ. કિસાન’ યોજના અંતર્ગત ૧૪ હપ્તા મળ્યા છે. તેમણે ઉમેર્યુ કે, યોજનાની શરુઆતથી જ મને નિયમિત હપ્તા મળી રહ્યા છે. ખેડૂતોને પરચૂરણ ખર્ચને પહોંચી વળવા તેમજ અન્ય નાની મોટી ખરીદી માટે આ સહાય ઉપયોગી છે. તેઓ ઉમેરે છે કે, ખેડૂતોને લાંબા ગાળે આ યોજનાનો મોટો ફાયદો મળશે. યોજનાનો લાભ આપવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરુ છુ.
અમરેલી જિલ્લામાં ગત તા.૨૪ નવેમ્બરથી પ્રસ્થાન થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પ્રથમ તબક્કામાં પાંચ તાલુકાના ગામડાઓમાં પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રા થકી કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર લાભ આપવામાં આવી રહ્યો છે આ સાથે જ આરોગ્ય કેમ્પ, પશુઓનાં રસીકરણ, પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર સહિતના એકમોનું નિદર્શન અને લાભ પણ આપવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે અંતિમ લાભાર્થીને જોડવા માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે.
Recent Comments