PM મોદીએ ગુજરાતના ઝ્રસ્ તરીકે રાજ્યની સરકારી કચેરીઓમાં ઇન્ફરમેશન ટેક્નોલોજી-ઇ ગવર્નન્સના માધ્યમથી પ્રજાજનોની ફરિયાદોના વાજબી નિરાકરણ માટે ગુજરાતમાં શરૂ કરાવેલા દેશભરના પ્રથમ અભિનવ પ્રયોગ ‘સ્વાગત’ના સફળ બે દાયકા પૂર્ણ
રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ ત્વરિત નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી ગુજરાતે દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ તા.ર૪ એપ્રિલ-ર૦૦૩ થી શરૂ કર્યો હતો. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી જનફરિયાદ નિવારણની આ પહેલ ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’-સ્વાગત હવે તો વિશ્વમાં ગુડ ગવર્નન્સની આગવી દિશાસૂચક પહેલ તરીકે પ્રસ્થાપિત થઇ ગઇ છે. પ્રજાજનોએ પોતાની રાવ-ફરિયાદ અને રજૂઆતો માટે સ્થાનિક ફરિયાદો સાથે ઉચ્ચ કક્ષાએ કે સચિવાલય સુધી આવવું જ ન પડે તેવી તંદુરસ્ત સ્થિતીના નિર્માણમાં આ ‘સ્વાગત’ કાર્યક્રમ એક સિમાચિન્હ બની ગયો છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૦૩થી ‘સ્વાગત’ અન્વયે દર મહિનાના ચોથા ગુરૂવારને ફરિયાદ નિવારણ દિવસ તરીકે પ્રસ્થાપિત કરેલો છે. મુખ્યમંત્રી સ્વયં આ ‘સ્વાગત’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અરજદાર નાગરિકની રજૂઆત સાંભળે અને તેનું વાજબી નિવારણ લાવે તેવી સંવેદનશીલ પરિપાટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસાવી છે
. ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો આ ઉપક્રમ આગામી તા.ર૪ એપ્રિલે બે દાયકાની મંઝિલ પાર કરી ર૧માં વર્ષમાં પ્રવેશ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનો ર્નિણય કર્યો છે. વડાપ્રધાન મોદીએ કંડારેલી સુશાસનની પરંપરાને વધુ તેજ ગતિ એ આગળ ધપાવતાં આ સ્વાગત સપ્તાહ અન્વયે ગ્રામ, તાલુકા અને જિલ્લા તથા રાજ્ય સ્વાગત કાર્યક્રમ તા.૧૧ થી ર૯ એપ્રિલ સુધી યોજવાના આયોજનને સામાન્ય વહીવટ વિભાગે મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં આખરી ઓપ આપ્યો છે. મુખ્ય સચિવ રાજકુમારે રાજ્યના જિલ્લા કલેક્ટરો, વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આ આયોજન સંદર્ભે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. તદ્દઅનુસાર, તા.૧૧ થી ૧૭ એપ્રિલ સુધી ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ હેતુસર સંબંધિત જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તાલુકાના મોટા ગામોની પસંદગી કરી અરજી સ્વીકારવા માટેના કેમ્પ યોજાશે. કેમ્પમાં મળેલી આવી અરજીઓનો તાલુકા સ્વાગતમાં સમાવેશ કરીને ઝડપથી નિરાકરણ લાવવા અને ગ્રામ સ્વાગતને સુદ્રઢ કરવા માટે નોડલ ઓફિસર તરીકે વર્ગ-ર ના એક અધિકારીની નિમણૂંક કરાશે. એટલું જ નહિ, તા.૧પ એપ્રિલ-ર૦ર૩ શનિવારે બાયસેગ-સેટકોમ દ્વારા તલાટી, સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વાગત સપ્તાહ દરમ્યાન તા.ર૪ એપ્રિલથી તા.ર૬ એપ્રિલ સુધીમાં ૩૩ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં તાલુકા વાઇઝ સ્વાગત યોજવામાં આવશે.
આ કાર્યક્રમોમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, એસ.પી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અધ્યક્ષતા કરશે. તાલુકા સ્વાગતના પ્રશ્નોની સમીક્ષા દર મહિને યોજાતી મહેસૂલી અધિકારીઓની બેઠકમાં પણ હાથ ધરાશે. ગ્રામ અને તાલુકા સ્વાગતની પરિપાટીએ તા.ર૭ એપ્રિલે જિલ્લા સ્વાગતનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તાલુકા સ્વાગતમાં લેવાયેલા પ્રશ્નોની સમીક્ષા કરવા સાથે તાલુકા કક્ષાએ હલ ન થયા હોય તેવા પ્રશ્નોનું જિલ્લા સ્વાગતમાં નિરાકરણ લાવવાનું આયોજન કરાશે. આ ઉપરાંત જિલ્લા સ્વાગતમાં રજુ થયેલા પ્રશ્નોનું ઝૂંબેશ સ્વરૂપે નિવારણ થાય તે માટે દરેક જિલ્લા કલેક્ટરોએ આયોજન હાથ ધરવા પણ સૂચનાઓ આપવામાં આવેલી છે. જિલ્લા સ્વાગતના પેન્ડીંગ પ્રશ્નોની સમીક્ષા જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતી બેઠકમાં કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત સપ્તાહ’ અન્વયે એપ્રિલ માસના અંતિમ ગુરૂવારે તા.ર૭ એપ્રિલે રાજ્ય સ્વાગત કાર્યક્રમની અધ્યક્ષતા કરશે તેમજ જિલ્લા અને તાલુકા સ્વાગતમાં સપ્તાહ દરમ્યાન રજુ થયેલા પ્રશ્નો તેમજ તેના નિવારણની કામગીરીની સમીક્ષા મુખ્યમંત્રી કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેવાડાના ગ્રામીણ નાગરિક સુધી ટેક્નોલોજીનો વ્યાપ વિસ્તારી ગ્રામ કક્ષાએ જ તેના પ્રશ્નો રજુ કરી શકાય અને નિવારણ પણ આવી જાય તેવી ‘ઘર આંગણે સરકાર’ની પરંપરા ‘સ્વાગત’થી ઊભી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની બે દાયકાની આ સુશાસન પરંપરાને વધુ લોકાભિમુખ બનાવી પ્રજાજનોના પ્રશ્નોના સુચારૂ નિવારણ માટે પ્રતિબદ્ધ છે તેની જન અનૂભુતિ આ સ્વાગત સપ્તાહથી લોકોને થાય તેવું સુદ્રઢ આયોજન સમગ્ર વહીવટીતંત્રએ હાથ ધર્યુ છે.
Recent Comments