ગુજરાત

ભુજમાં વડાપ્રધાન મોદીએ રૂ. ૫૩,૪૧૪ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી ની ગુજરાતની પ્રથમ મુલાકાતના પ્રથમ દિવસે ભુજમાં વડાપ્રધાન મોદીએ રૂ. ૫૩,૪૧૪ કરોડના ૩૩ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ભુજ બાદ તેઓ મોડી સાંજે અમદાવાદ પહોંચશે, જ્યાં રોડ શૉનું આયોજન કરાયું છે.
ભુજમાં વડાપ્રધાન મોદીએ ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં ૩ રોડ ઓવર બ્રિજનું નિર્માણ તેમજ ધોળાવીરામાં પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે.
ખૂબ મહત્વનું છે કે, પીએમ મોદીએ અહીં કચ્છી ભાષામાં ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘કચ્છની પાવન ધરતી પર બિરાજમાન માતાના આશીર્વાદ આપણી બધી મનોકામના પૂરી કરે છે. માતાએ હંમેશા આ ધરતી પર કૃપા વરસાવી છે. સાથીઓ, મારો અને કચ્છનો નાતો જૂનો છે. તમારો પ્રેમ એટલો છે કે હું કચ્છ આવવાથી મારી જાતને રોકી શકતો નથી. હું રાજકારણમાં નહોતો, સત્તા સાથે કોઈ લેવાદેવા ન હતા, ત્યારે પણ હું સતત કચ્છ આવતો હતો. મને ખૂણેખૂણે જવાનો મોકો મળ્યો છે.’
કચ્છની સંસ્કૃતિની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીંની પરંપરા અને વારસાનું પ્રતીક રણોત્સવ દરેકનું મન મોહી લે છે. અદભૂત ક્રાફ્ટ બજાર હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પછી ખાણી-પીણીની પરંપરા, અહીંનો તમારો દરેક અનુભવ અવિસ્મરણીય હોય છે. તમે બધાને મારો આગ્રહ છે ક એકવાર પોતાના પરિવાર સાથે આ રણોત્સવની જરૂર મુલાકાત લો.
કચ્છમાં વિકાસની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે કચ્છ વેપારનું કેન્દ્ર છે, હું જ્યારે કચ્છમાં વિકાસની ગતિ આપવા માટે આવું છું ત્યારે મને લાગે છે કે હું કંઇક વધુ કરીશ. મન અટકવાનું નામ લેતું નથી. એક સમય હતો ગુજરાતમાં રૂ. ૫૦,૦૦૦ કરોડના કામ સંભાળી શકાતા ન હતા, પરંતુ હવે એક જ જિલ્લામાં રૂ. ૫૦ હજાર કરોડનું કામ થવા જઇ રહ્યું છે. અહીં ભૂકંપ આવ્યો ત્યારે દુનિયાને લાગતું હતું કે હવે બધું ખતમ થઈ ગયું, હવે કંઈ થઈ શકે તેમ નથી અને કચ્છ તે ભૂકંપમાં મોતની ચાદર ઓઢીને સૂતું હતું. પરંતુ મેં ક્યારેય મારો વિશ્વાસ ગુમાવ્યો નહોતો. મારો વિશ્વાસ કચ્છી ખમીર પર હતો. મને વિશ્વાસ હતો કે કચ્છ આ સંકટને હરાવી દેશે, મારું કચ્છ ઊભું થઈ જશે અને તમે સૌએ બરાબર એવું જ કર્યું. આજે કચ્છ વેપાર, કારોબાર અને ટુરિઝમનું મોટું કેન્દ્ર છે. આવનારા સમયમાં કચ્છની આ ભૂમિકા વધુ મોટી થવાની છે.’
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કચ્છ સહિત દેશભરના પ્રવાસનની પણ વાત કરી. તેમણે કહ્યું કે, ‘ટુરિઝમ લોકોને જાેડે છે. ભારત ટુરિઝમમાં વિશ્વાસ ધરાવે છે, પરંતુ પાકિસ્તાન ટેરરિઝમને જ ટુરિઝમ માને છે, જે દુનિયા માટે ખતરો છે.’
‘આપણું કચ્છ હરિત ઊર્જાનું દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન એક નવા પ્રકારનું ઇંધણ છે. આવનારા સમયમાં કાર, બસ, સ્ટ્રીટ લાઇટ્સ- આ બધું ગ્રીન હાઇડ્રોજનથી ચાલવાનું છે. કંડલા દેશના ત્રણ ગ્રીન હાઇડ્રોજન કેન્દ્રોમાંથી એક છે.’
આ સાથેજ ભુજમાં વડાપ્રધાન મોદીએ વર્ષ ૧૯૭૧માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે કચ્છની પાકિસ્તાન સરહદે કેવી રીતે મહિલાઓએ મોરચો સંભાળ્યો હતો તે વાત પણ યાદ કરી હતી. તેમણે કહ્યું કે, એ યુદ્ધમાં પાકિસ્તાને બોમ્બમારો કરીને રન-વેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, જેથી વાયુસેના તેનું કામ ના કરી શકે. એ વખતે બોમ્બમારા વચ્ચે માધાપરની મહિલાઓએ બે દિવસ રાત-મહેનત કામ કરીને એરસ્ટ્રિપ તૈયાર કરી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

Related Posts