ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂને ગુજરાતમાં ₹4,000 કરોડથી વધુના પાવર ડિસ્ટ્રિબ્યુશન એન્ડ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પર ગુજરાતમાં સુરતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ સુરત ખાતેથી ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અને પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ.ના ₹4950.39 કરોડના ખર્ચના ચાર વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

*નવસારી ખાતે વિશ્વનું સૌથી મોટું ડિજિટલ સબસ્ટેશન, જે ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી વીજ પ્રવાહને વેગ આપશે*

વડાપ્રધાનશ્રી ગુજરાતમાં ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેના થકી ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ઉચ્ચ-ક્ષમતાવાળો વીજ પ્રવાહ પહોંચાડવો શક્ય બનશે. પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ. દ્વારા સુરત અને નવસારી જિલ્લામાં ₹4,546 કરોડના ખર્ચે અમલી કરવામાં આવેલ આ પ્રોજેક્ટ, રાજ્યના ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવશે અને ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) પાર્ટ B માંથી અવેલેબલ ટ્રાન્સમિશન કેપેસિટી (ATC) એટલે કે ઉપલબ્ધ ટ્રાન્સમિશન ક્ષમતાને વધારીને પાવર ટ્રાન્સફરની ક્ષમતામાં સુધારો કરશે.

ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટમાં નવસારી ખાતે ડિજિટલ સબસ્ટેશન, નવસારીથી મહારાષ્ટ્રમાં પડઘે સુધીની 765 kV D/c ટ્રાન્સમિશન લાઇન અને નવસારીથી મગરવાડા અને કાલા સુધીની 400 kV D/c ટ્રાન્સમિશન લાઇનનો સમાવેશ થાય છે. તેનાથી ખાવડા વિસ્તારમાંથી રિન્યુએબલ એનર્જીને કાર્યક્ષમ રીતે બહાર લઇ જઇ શકાશે અને નવસારી થઇને પડઘે સુધી તેનું સરળ ટ્રાન્સમિશન શક્ય બનશે, જે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે વિશ્વસનીય ઉચ્ચ-ક્ષમતાવાળા વીજ પ્રવાહને સુનિશ્ચિત કરશે.

આ પ્રોજેક્ટ ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) અને ખાવડા રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન સ્કીમ્સમાંથી પાવર ટ્રાન્સફર માટે ઉપલબ્ધ ટ્રાન્સમિશન ક્ષમતામાં વધારો કરીને ટ્રાન્સમિશન નેટવર્કને વધુ મજબૂત બનાવે છે. નવસારી (નવું) ખાતે વિશ્વના સૌથી મોટા ડિજિટલ સબસ્ટેશનની શરૂઆત ભારતના પાવર ટ્રાન્સમિશન ક્ષેત્રમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ બનશે અને નેશનલ ટ્રાન્સમિશન નેટવર્કમાં મુખ્ય કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

*વલસાડમાં ₹324.19 કરોડના ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટથી વીજ વિતરણ વ્યવસ્થા બનશે વધુ મજબૂત*

વડાપ્રધાનશ્રીના હસ્તે જે મુખ્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, તેમાં વલસાડ જિલ્લામાં વીજખાધ ઘટાડવાના ઉદ્દેશથી ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો સામેલ છે. તે ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટેનો એક ફુલ ટર્નકી કોન્ટ્રાક્ટ છે, જે ₹324.19 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) અંતર્ગત અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટનો હેતુ વીજ વિતરણ નેટવર્કને વધુ મજબૂત બનાવવાનો, કાર્યક્ષમતામાં વધારો કરવાનો તેમજ ગ્રાહકોને વિશ્વસનીય અને ગુણવત્તાસભર વીજપુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. આ કામોમાં AB કેબલિંગ, નવા ટ્રાન્સફોર્મર લગાવવા, ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારવી, જૂના કંડક્ટરોને રીકંડક્ટ કરવા અને ફીડર બાઇફર્કેશનનો સમાવેશ થાય છે, જે વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવશે.

આ પ્રોજેક્ટના પરિણામે વીજ વિક્ષેપો અને લો-વોલ્ટેજની સમસ્યાઓમાં ઘટાડો થશે. સાથે જ, કન્ડક્ટર તૂટવાની ઘટનાઓ, ટ્રાન્સફોર્મર ઓવરલોડિંગ અને હવામાનને કારણે થતા વીજ પુરવઠાના વિક્ષેપોમાં પણ ઘટાડો થશે. તેનાથી જાહેર સલામતીમાં વધારો થવાની સાથે ટ્રાન્સફોર્મરોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને ફીડર સ્તરે વીજખાધમાં ઘટાડો થશે. આ પ્રોજેક્ટથી વલસાડ જિલ્લાના 5,98,028 જેટલા લોકોને ફાયદો થશે.

આ ઉપરાંત, વડાપ્રધાનશ્રી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ₹48.20 કરોડના ખર્ચે નિર્મિત 66 kV વણકલા–ઓખા સબસ્ટેશનનું લોકાર્પણ કરશે. આ સબસ્ટેશનથી આસપાસના વિસ્તારના અંદાજે 23,357 વીજ ગ્રાહકોને લાભ મળશે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ₹32 કરોડના ખર્ચે 66 kV ધામણી સબસ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ સબસ્ટેશનથી 8 કિલોમીટરના વિસ્તાર હેઠળ આવેલા 13 ગામોના 5,064 જેટલા વીજ ગ્રાહકોને લાભ મળશે. આ પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતનું વીજ માળખું વધુ મજબૂત બનશે તેમજ વિસ્તારમાં વધુ ગુણવત્તાસભર વીજપુરવઠો સુનિશ્ચિત થશે.

Related Posts