સમિતિએ મુસ્લિમ હિત રક્ષક સમિતિ અને શ્રી દિલ્હી ગુજરાતી સમાજના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી
સમાન નાગરિક સંહિતા સમિતિ દ્વારા નવી દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં જાહેર પરામર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. બે રાઉન્ડમાં આયોજિત આ વિચારવિમર્શના પ્રથમ રાઉન્ડમાં મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ સંવાદમાં સમિતિના ૧૮ સભ્યોએ વિવિધ મુદ્દાઓ પર તેમનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો જેમાં આ વિષય પર રાજ્યનો અધિકારક્ષેત્ર તેમજ બંધારણ અને બંધારણની કલમ ૪૪, જે રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોનો ભાગ છે, તે સામેલ છે. સમિતિના સભ્યોએ ૧૫ એપ્રિલ ૨૦૨૫ પહેલા વિગતવાર લેખિત રજૂઆત આપવાનું પણ આશ્વાસન આપ્યું હતું.
જાહેર પરામર્શના બીજા રાઉન્ડમાં, સમિતિએ શ્રી દિલ્હી ગુજરાતી સમાજની રજૂઆતો સાંભળી હતી. આ સમિતિના ૧૪ સભ્યો આ ચર્ચામાં સામેલ થયા હતાં. સમિતિના સભ્યોએ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને લાગુ કરવાની બાબતને સમર્થન આપ્યું હતું. આ બન્ને સમિતિઓ સાથે સૌહાદપૂર્ણ અને રચનાત્મક વાતાવરણમાં આ ચર્ચાઓ યોજાઇ હતી.
આ બન્ને રાઉન્ડની ચર્ચાઓ દરમિયાન યુસીસી સમિતિના અધ્યક્ષ નિવૃત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ; વરિષ્ઠ સલાહકાર શ્રી શત્રુઘ્નસિંહ; સમિતિના સભ્યો નિવૃત્ત વરિષ્ઠ આઈ.એ.એસ.અધિકારી શ્રી સી.એલ. મીણા, એડવોકેટ શ્રી આર.સી.કોડેકર, પૂર્વ કુલપતિ શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા હતાં.આ બેઠકમાં રેસિડન્ટ કમિશનર ડૉ. વિક્રાંત પાંડે અને સમિતિના સચિવ શીતલ ગોસ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતાં.
નવી દિલ્હી ખાતે ગુજરાત યુસીસી સમિતિ દ્વારા જાહેર પરામર્શનું આયોજન થયું

Recent Comments